‘મંગળ ધ્વનિ’માં પચાસ વાદ્ય સૂર રેલાવશે
અયોધ્યા: અયોધ્યામાં નવા જ નિર્માણ કરાયેલા રામમંદિરના સોમવારે યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ ‘મંગળ ધ્વનિ’માં પરંપરાગત પચાસ જેટલા વાદ્ય બે કલાક સુધી સૂર રેલાવશે.
અયોધ્યાના વિખ્યાત કવિ યતીન્દ્ર મિશ્રાએ દિલ્હીસ્થિત સંગીત નાટક અકાદમીની મદદથી સંગીતમય ધુન તૈયાર કરી છે.
મંદિરના નિર્માણ અને વ્યવસ્થાપન ટ્રસ્ટના ઈન્ચાર્જ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જણાવ્યા અનુસાર સંગીતમય કાર્યક્રમ સવારે ૧૦:૦૦ વાગે અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ બપોરે ૧૨:૨૦ વાગે શરૂ થશે.
‘મંગળ ધ્વનિ’માં સૂર રેલાવનારાં પચાસ પરંપરાગત વાદ્યમાં મહારાષ્ટ્રના સુંદીર, ગુજરાતના સંતાર, ઉત્તર પ્રદેશના પખવાજ, ઢોલક, વાંસળી, કર્ણાટકની વીણા, પંજાબના અલ્ગોજા, મધ્ય પ્રદેશના સંતુર, ઓડિશાના મર્ડાલા, મણીપુરના પન્ગ, આસામના નગારા અને રાલી, છત્તીસગઢના તંબુરા, દિલ્હીની શહેનાઈ, પ. બંગાળના શ્રીખોલ અને સરોદ, આંધ્ર પ્રદેશના ઘાટન, ઝારખંડની સિતાર, બિહારના પખવાજ, ઉત્તારખંડના હૂજકા, તમિળનાડુના મૃદંગ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ વાદ્યો લગભગ બે કલાક સુધી સૂર રેલાવશે. શ્રીરામના સન્માનમાં કરવામાં આવનારી ઉજવણીના ભાગરૂપ યોજવામાં આવનારો આ ભવ્ય સંગીતમય કાર્યક્રમ દરેક ભારતીય નાગરિકનું પ્રતિનિધિત્વ કરશે અને દેશની વિવિધ પરંપરાઓને એકજૂટ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ ધાર્મિક વિધિઓમાં ભાગ લેશે અને બહુ જ આતુરતાપૂર્વક જેની રાહ જોવાઈ રહી હતી તે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તેમની ઉપસ્થિતિમાં જ ઉજવણી કરવામાં આવશે.
પ્રાણપ્રતિષ્ઠા બાદ મંદિર જાહેરજનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે.
અયોધ્યાની ગલીઓ અને રસ્તાઓ રામધુન સહિત વિવિધ સંગીતમય ગીતોથી ગૂંજી રહ્યા છે. પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે જ ખાસ શણગારવામાં આવેલા અયોધ્યામાં ઘરે ઘરે અને શેરીએ શેરીએ ભગવા ધ્વજ લહેરાઈ રહ્યા છે.
સમગ્ર અયોધ્યામાં ધાર્મિક લાગણી, ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યા છે. પ્રાચિન અયોધ્યા નગરીને પણ સુંદર રીતે શણગારવામાં આવી છે. રામપથ અને ધર્મપથ સરકારના નવ્ય, દિવ્ય અને ભવ્ય અયોધ્યાના વિચારોને મૂર્તિમંત કરી રહ્યા છે.
સમગ્ર અયોધ્યામાં મકાનો અને ઈમારતોને લાઈટિંગથી શણગારવામાં આવ્યા છે. (એજન્સી)