નેશનલ

જય શ્રી રામ:હરખ હવે હિન્દુસ્તાન આજે રઘુનંદનના પ્રાણપ્રતિષ્ઠાન

બજાઓ ઢોલ સ્વાગત મેં મેરે ઘર રામ આયે હૈં

  • અયોધ્યામાં રામમંદિરનું સ્વપ્ન સાકાર થશે
  • દેશવિદેશમાં ઘેર ઘેર દીપોત્સવ, રંગોળી કરાશે
    *મંદિરોમાં રામધૂન, ભજન-કીર્તન, રથયાત્રા

અયોધ્યા: અહીંના દિવ્ય, ભવ્ય, અલૌકિક રામમંદિરમાં સોમવારે (આજે એટલે કે પોષ શુકલ, દ્વાદશી – બારસ, વિક્રમ સંવત ૨૦૮૦) બપોરે ૧૨.૧૫ થી ૧૨.૪૫ વાગ્યા દરમિયાન રઘુનંદન (પ્રભુ શ્રીરામના બાળસ્વરૂપ)ની પ્રાણપ્રતિષ્ઠા થવાની હોવાથી ભગવાન રામચંદ્ર વનવાસ પૂરો કરી ફરી ગૃહપ્રવેશ કરવાના હોય એવો માહોલ ઊભો થયો છે. રામજન્મભૂમિના સ્થળે જ મર્યાદા પુરુષોત્તમના ભવ્ય મંદિરનું નિર્માણ કરી રામલલાની તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરવાનું કરોડો હિંદુઓનું સ્વપ્ન આજે સાકાર થવાનું છે. આજનો સોમવારનો દિવસ એક રાષ્ટ્રીય તહેવાર જેવો બની જશે. દેશવિદેશમાં સોમવારે દિવાળીની જેમ ઘેર ઘેર દીપોત્સવ મનાવાશે, મંદિરોમાં રામધૂન ગવાશે, ભજન-કીર્તન થશે, ઠેર ઠેર ભગવાન રામચંદ્રની રથયાત્રા નીકળશે, મીઠાઇ-પ્રસાદ વહેંચાશે. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય તહેવાર જેવું હર્ષોલ્લાસનું વાતાવરણ ફેલાયું છે, રામનગરીને શણગારાઇ છે અને ઠેર ઠેર રંગોળી કરાઇ છે. અનેક ટીવી ચેનલ અયોધ્યાના આ કાર્યક્રમનું સીધું પ્રસારણ કરવાની છે અને દેશભરમાં ઘણી જગ્યાએ જાહેરમાં મોટા પડદા પર આ કાર્યક્રમ દર્શાવાશે.

રવિવારે રામલલાને ૧૧૪ કળશમાં ભરેલા જળથી સ્નાન કરાવાયું હતું અને મંડપનું પૂજન કરાયું હતું. સોમવારે પ્રાણપ્રતિષ્ઠાની પહેલા ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યના કુલ પચાસ વાદ્ય ‘મંગળ ધ્વનિ’ના સૂર રેલાવશે. અયોધ્યાનાં મંદિરો અને સરયૂ નદીના ઘાટ પર અંદાજે દસ લાખ દીવા પ્રગટાવાશે.
પાંચસો વર્ષનો સંઘર્ષ, અનેક લોકોના બલિદાન, કારસેવા, સર્વોચ્ચ અદાલતમાંના લાંબા કાનૂની જંગ બાદ આ રામમંદિરનું નિર્માણ થયું હોવાથી દેશવિદેશમાં લોકો સોમવારના કાર્યક્રમની કાગડોળે રાહ જોઇ
રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત અનેક કેન્દ્રીય અને રાજ્ય સ્તરના નેતાઓ, સાધુ-સંતો અને દેશવિદેશથી આવેલા લાખો રામભક્તો અયોધ્યામાં તૈયાર કરાયેલા સુંદર અદ્ભુત મંદિરમાં યોજાનારી પ્રાણપ્રતિષ્ઠામાં ભાગ લેવાના છે.

દેશવિદેશથી લાખો રામભક્તો અયોધ્યા પહોંચી ગયા છે અને આગામી થોડા મહિના દરમિયાન રામનગરીમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવવાની આશા છે.

રામમંદિર માટે દેશવિદેશથી ઘંટ, અગરબત્તી, સુગંધી ચોખા, આભૂષણો, અત્તર, પ્રસાદ સહિતની વિવિધ ભેટ અયોધ્યા પહોંચાડવામાં આવી છે.

અયોધ્યાનું રામમંદિર ૫૭,૪૦૦ ચોરસ ફૂટ ક્ષેત્રમાં પથરાયેલું છે. તેની લંબાઇ ૩૬૦ ફૂટ, પહોળાઇ ૨૩૫ ફૂટ અને ઊંચાઇ ૧૬૦ ફૂટ છે. તેના કુલ ત્રણ સ્તર છે અને તે દરેક ૨૦ ફૂટ ઊંચું છે. મંદિરમાં ભવ્ય શિખર ઉપરાંત પાંચ મંડપ છે. રામમંદિરને લીધે ઉત્તર પ્રદેશ, ખાસ કરીને અયોધ્યામાં પર્યટનને ભારે પ્રોત્સાહન મળશે અને મોટા પાયે રોજગારી ઊભી થશે. અહીં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી બધી હોટેલ રામભક્તોથી ભરાઇ ગઇ છે.

અયોધ્યામાં દીવાલો અને દુકાનોના શટર પર પણ હિંદુ ધર્મના થીમ પર આધારિત ચિત્રો દોરાયાં છે અને રંગરોગાન કરાયું છે. અનેક સ્થળે ફૂલોના હાર લગાડાયા છે.

દેશ-વિદેશની ટીવી ચેનલ પર રામમંદિરમાંના પ્રાણપ્રતિષ્ઠાન કાર્યક્રમનું સીધું પ્રસારણ કરવામાં આવશે. ભગવાન રામચંદ્રના દેશવિદેશમાં આવેલાં મંદિરોને આજે શણગારાશે, રામધૂન અને ભગવાન રામના ભજન-કીર્તન ગવાશે, ઘેર ઘેર દીવા પ્રગટાવાશે અને એક રાષ્ટ્રીય તહેવાર બની રહેશે.

મોદીએ તાજેતરમાં જ અયોધ્યાના વિમાનમથક અને રેલવે સ્ટેશનના નવા સ્વરૂપનું ઉદ્ઘાટન કર્યું હતું. ભાજપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાકલને પગલે ૧૪થી ૨૨ જાન્યુઆરી સુધી દેશભરના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.

રામનગરીમાં તૈયાર કરાયેલા રામમંદિરના ગર્ભગૃહમાં ગયા ગુરુવારે રામલલાની મૂર્તિને સ્થાપવામાં આવી હતી. ભારે હર્ષોલ્લાસ સાથે રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં લવાઇ ત્યારે ત્યાં ભેગા થયેલા લોકોએ ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા. રામલલાની મૂર્તિને ચાર કલાકની મહેનતથી ક્રેન દ્વારા મંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવી તે પહેલાં ત્યાં ખાસ પૂજા કરાઇ હતી.

કર્ણાટકના શિલ્પી અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરાયેલી રામલલાની મૂર્તિને રામમંદિરમાં સ્થાપવા માટે પસંદ કરાઇ હતી. શિલ્પી અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણ શિલામાંથી તૈયાર કરાયેલી મૂર્તિને ગર્ભગૃહમાં પ્રસ્થાપિત કરાઇ છે.

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના નિરીક્ષણ હેઠળ અયોધ્યાના આ મંદિરનું નિર્માણ કરાયું હતું અને આ ટ્રસ્ટ દ્વારા મંદિરનો કારભાર સંભાળાશે.

વિપક્ષના અમુક નેતાઓ અયોધ્યાના રામમંદિરના કાર્યક્રમને ‘નૌટંકી’ અને લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુયોજિત પગલું ગણાવી રહ્યા છે અને તેનો બહિષ્કાર પણ કર્યો છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button