૨૨ જાન્યુઆરીની રજાને પડકારતી અરજી ફગાવાઈ અરજી રાજકીય હેતુથી પ્રેરિત: હાઈ કોર્ટ
મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ૨૨ જાન્યુઆરીને જાહેર રજાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને પડકારતી ચાર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી (પીઆઈએલ) બોમ્બે હાઈકોર્ટે રવિવારે ફગાવી દીધી હતી. મહારાષ્ટ્ર અને ગુજરાતના કાયદાની શાખાનો અભ્યાસ
કરતા ચાર વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ માટે રવિવારે વિશેષ સુનાવણી હાથ ધરતા ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણી અને ન્યાયમૂર્તિ નીલા ગોખલેની ખંડપીઠે નોંધ્યું હતું કે પીઆઈએલ રાજકીય હેતુથી પ્રેરિત, છીછરી અને કષ્ટદાયક છે. અદાલતે વિદ્યાર્થીઓને તેમનો સમય બહેતર કામ માટે ફાળવવા જણાવ્યું હતું.
ખંડપીઠ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સામાન્યપણે આ પ્રકારની અરજી રદ કરતી વખતે અદાલત અરજદાર પાસેથી દંડ વસુલ કરતી હોય છે. જોકે, આ કેસમાં એવું પગલું નથી ભરવામાં આવ્યું કારણ કે અરજદાર યુવાન વિદ્યાર્થીઓ છે અને એટલે તેમને વિચારપૂર્વક વર્તવાની સલાહ આપવામાં આવી છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી જાહેર રજાનો નિર્ણય સત્તાનો ગેરઉપયોગ છે એમ વિધાર્થીઓએ તેમની અરજીમાં જણાવ્યું હતું. અરજી અદાલત સમક્ષ રજૂ થાય એ પહેલા મીડિયાને આખી વાતની જાણ કઈ રીતે થઈ એવો સવાલ પણ હાઇકોર્ટે અરજદારોને કર્યો હતો. (પીટીઆઈ)