રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે ત્રણ રાજ્યોએ કરી આ જાહેરાત
નવી દિલ્હી/પણજીઃ અયોધ્યામાં આવતીકાલે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે દિલ્હી, ગોવા અને ઝારખંડની રાજ્ય સરકારોએ પોતાના રાજ્યની સ્કૂલ/કચેરી/કસિનો બંધ રાખવા મુદ્દે મહત્ત્વની જાહેરાત કરી હતી. દિલ્હી અને ઝારખંડ સરકારે આવતીકાલે સવારની સ્કૂલો બંધ રહેશે, જ્યારે ગોવામાં કસિનો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ નિમિત્તે દિલ્હી અને ઝારખંડની સરકારે રાજ્યની સરકારી અને અર્ધસરકારી સ્કૂલ આવતીકાલે બંધ રહેશે. એના અગાઉ દિલ્હી સરકારે તમામ સંસ્થા અને કાર્યાલયોને એક દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જેથી સંસ્થાના કર્મચારીઓ રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે. દિલ્હી સિવાય ગોવામાંથી મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અયોધ્યામાં રામ મંદિરના અભિષેકના અવસરે ગોવાના તમામ કસિનો સોમવારે સવારે ૮ વાગ્યાથી આઠ કલાક માટે બંધ રહેશે, એમ કસિનો મેનેજમેન્ટ કંપનીના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. ગોવામાં છ ઓફ શોર કસિનો અને કેટલાય ઓન શોર કસિનો કાર્યરત છે. જેમાં ઓફ શોર કસિનો જહાજ રાજ્યની રાજધાની પણજી નજીક મંડોવી નદી પર લાંગરેલા છે.
આમાંના કેટલાક કસિનોનું સંચાલન કરતા અધિકારીના જણાવ્યા અનુસાર સોમવારે સવારે ૮ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી તમામ કસિનો દ્વારા તેમના કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે આ અવસરે દરેક વ્યક્તિ તેમના વ્યવસાયો બંધ રાખવાના છે અને જીવનમાં એક વખત આવનાર આ પ્રસંગમાં ભાગ લેવા માટે રજાઓ જાહેર કરવામાં આવી છે તો આપણે શા માટે એમ ન કરવું જોઇએ.
ગોવા સરકારે ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં રામ મંદિર અભિષેક સમારોહના પ્રસંગે તમામ સરકારી, અર્ધ-સરકારી અને સ્વાયત્ત સંસ્થાઓ માટે સોમવારે રજા જાહેર કરી દીધી છે.