સુપ્રિયા સુળેની વિરોધકને ગર્ભિત ધમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપી (શરદ પવાર જૂથ)ના સંસદસભ્ય સુપ્રિયા સુળે રવિવારે પુણેની મુલાકાતે આવ્યા હતા ત્યારે મતદારસંઘના નાગરિકો સાથે સંવાદ સાધતી વખતે વિરોધીઓને ગર્ભિત ધમકી આપતાં કહ્યું હતું કે મારા પિતા ઘણું ઓછું બોલે છે, તેઓ કોઈને સલાહ આપતા નથી. મારા પિતાને બદનામ કરવા માટે તેમની પાછળ અદૃશ્ય શક્તિ લાગી છે. રાજકારણ જરૂર કરો, પરંતુ આવું રાજકારણ કરશો નહીં.
રોહિત પવારને ઈડીની નોટિસ આવી તેનાથી તમારા જીવનમાં શું ફરક પડવાનો છે?
તેમણે પોતાના મતદારસંઘના લોકોને કહ્યું હતું કે તમે લોકોએ મને ત્રણ વખત દિલ્હીમાં જવાની તક આપી છે. હું તમારી જનપ્રતિનિધિ છું. રાજ્યમાંથી 48 સંસદસભ્ય દિલ્હી જાય છે. અત્યારે 38 સત્તામાં છે અને 10 વિરોધમાં છે. 18 વર્ષમાં પહેલી વખત મને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
કેમ કે મેં ખેડૂતોને તેમના ઉત્પાદનનો સારો ભાવ મળે એવી માગણી કરી હતી. મેં કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કર્યું નહોતું. કોઈ સૂત્રોચ્ચાર કર્યા નહોતા. આમ છતાં મને સસ્પેન્ડ કરવામાં આવી હતી. કામ માટે, લોકોનો અવાજ ઉઠાવ્યો અને મને સસ્પેન્ડ કરી નાખવામાં આવતી હોય તો હું 100 વખત સસ્પેન્ડ થવા માટે તૈયાર છું.
પુણેમાં પાંચ વર્ષ ભાજપની સત્તા હતી, બે વર્ષ થયા હજી સુધી લોકોને નગરસેવક મળ્યા નથી. આ અત્યંત કમનસીબ બાબત છે. ગલ્લીથી દિલ્હી સુધી તમારી જ સરકાર છે. તો પછી અમારો શું વિકાસ થયો તેની માહિતી આપો. સ્માર્ટ સિટી ફક્ત કહેવાની હતી. તેનાથી લોકોના જીવનમાં શું ફરક આવ્યો? એવા આકરા સવાલો સુપ્રિયા સુળેએ કર્યા હતા.