મેરેથોનમાં ભાગ લેનારા સિનિયર સિટિઝન સહિત બેનાં મૃત્યુ
મુંબઈ: મુંબઈમાં રવિવારે યોજાયેલી મેરેથોન દરમિયાન 75 વર્ષના સિનિયર સિટિઝન સહિત બે સ્પર્ધકનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોની ઓળખ રાજેન્દ્ર ચાંદમલ બોરા (75) અને સુર્વદીપ બેનર્જી (40) તરીકે થઇ હોઇ સુર્વદીપ કોલકાતાનો વતની હતો.
આઝાદ મેદાન પોલીસ સ્ટેશન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગોરેગામ પૂર્વમાં રહેનારા રાજેન્દ્ર બોરાએ મુંબઈ મેરેથોનમાં ભાગ લીધો હતો. તેઓ સવારે આઠ વાગ્યે મરીન ડ્રાઇવ પહોંચ્યા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે બોમ્બે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. રાજેન્દ્ર બોરાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.
આઝાદ મેદાન પોલીસે બોરાના ભાઇ નીતિન અને પુત્રી ડો. પૂજા જૈનનાં નિવેદન નોંધ્યાં હતાં અને તેમણે બોરાના મૃત્યુ અંગે કોઇ શંકા વ્યક્ત કરી નહોતી.
દરમિયાન ફૂલ મેરેથોનનો સ્પર્ધક સુર્વદીપ બેનર્જી પણ હાજી અલી નજીક અચાનક ઢળી પડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેને એમ્બ્યુલન્સમાં નાયર હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું, એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.