અફઘાનિસ્તાનમાં ક્રેશ થયેલું પ્લેન ભારત કે મોરોક્કોનું નહીં, પરંતુ આ દેશનું હતું પ્રાઈવેટ પ્લેન
અફઘાનિસ્તાનમાં જે પ્લેન ક્રેશ થયું તે ન તો ભારતનું કે ન તો મોરોક્કોનું હતું, તે રશિયાનું પ્રાઈવેટ પ્લેન હોવાનું બહાર આવ્યું છે. જ્યારે તે ભારતીય પ્લેન હોવાની માહિતી સામે આવી હતી ત્યારે ભારતીય અધિકારીઓએ આ માહિતીને ખોટી ગણાવી હતી. બાદમાં આ વિમાનને મોરોક્કોનું માનવમાં આવી રહ્યું હતું.
હવે છેવટે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન મોરોક્કોનું પણ નથી અને લેટેસ્ટ માહિતી અનુસાર, તે એક રશિયન ખાનગી વિમાન હતું, જે અફઘાનિસ્તાનના દૂરના ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું હતું.
રવિવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં છ લોકો સવાર હતા. ભારતના ગયાથી મોસ્કો થઈને તાશ્કંદ સુધી એરક્રાફ્ટ એમ્બ્યુલન્સ ફ્લાઇટ તરીકે ઓપરેટ કરવામાં આવી રહી હતી. પ્રાદેશિક પ્રવક્તા ઝબીઉલ્લા અમીરી માહિતી આપતા જણાવે છે કે, બદખ્શાન પ્રાંતના ઝેબક જિલ્લાની નજીકના પહાડી વિસ્તારમાં શનિવારે આ અકસ્માત થયો હતો.
વધુ માહિતી આપતા તે કહે છે કે રેસ્ક્યુ ટીમને ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. બદખશાન પોલીસ વડાની ઓફિસે પણ એક નિવેદનમાં અકસ્માતની પુષ્ટિ કરી છે.
મોસ્કોમાં, રશિયન નાગરિક ઉડ્ડયન અધિકારીઓએ જણાવ્યું હતું કે ડેસોલ્ટ ફાલ્કન 10 ગુમ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે પ્લેનમાં ચાર ક્રૂ મેમ્બર અને બે મુસાફરો સવાર એમ કુલ 6 લોકો સવાર હતા. રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્લેન એથ્લેટિક ગ્રુપ LLC અને એક ખાનગી વ્યક્તિ સાથે જોડાયેલું હતું.
જ્યારે, તાલિબાનના સૂચના અને સંસ્કૃતિ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ વાહિદ રાયન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, પ્લેન મોરોક્કન કંપનીનું હતું. ભારતીય સિવિલ એવિએશનના અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે પ્લેન મોરોક્કોમાં રજીસ્ટર થયેલું છે.
આપને જણાવી દઈએ કે રેયાને અકસ્માત માટે એન્જિનમાં ખરાબીને જવાબદાર ગણાવી હતી. જો કે, તે પ્લેનમાં સવાર મુસાફરોનું શું થયું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી.