દેશની આર્થિક રાજધાનીમાં પોલીસ જવાનોની અછત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશની આર્થિક રાજધાનીમાં પોલીસ જવાનોની તીવ્ર અછત હોવાની આઘાતજનક માહિતી સામે આવી છે. મુંબઈ પોલીસમાં 12,000થી વધુ પદ ખાલી પડ્યા છે અને આને કારણે પોલીસ યંત્રણા પર ખાસ્સો તણાવ આવી રહ્યો છે. મુંબઈ પોલીસના વિવિધ પદ ખાલી પડ્યા છે તેમાં સૌથી વધુ સિપાઈ પદના સ્થાન રિક્ત હોવાનું જાણવા મળ્યું છે.
દેશની આર્થિક રાજધાનીમાં પોલીસ જવાનોની સંખ્યા અંગેની મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે એડિશનલ કમિશનરથી લઈને કોન્સ્ટેબલ સુધીના પદ સુધી બધું મળીને કુલ 12,899 પદ ખાલી પડ્યા છે. આને કારણે બાકીના પોલીસ જવાનો પર વધારાનો બોજ પડી રહ્યો છે.
આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલી દ્વારા મેળવવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યના પોલીસ દળમાં ખાલી પદો અંગે 30 નવેમ્બર, 2023 સુધીની માહિતી આપવામાં આવી છે. મુંબઈ પોલીસમાં મંજૂર પદની સંખ્યા 51,308 છે. આમાંથી 38,409 પદ પર અત્યારે જવાનોની નિયુક્તિ કરવામાં આવી છે. બાકીના 12,409 પદ ખાલી પડ્યા છે.
પોલીસ કોન્સ્ટેબલના કુલ 28,938 પદ મંજૂર કરવામાં આવ્યા છે, તેમાંથી 17,823 પદ પર ભરતી કરવામાં આવી છે, જ્યારે બાકીના 11,115 કોન્સ્ટેબલના પદ ખાલી પડ્યા છે. પોલીસ સબ-ઈન્સ્પેક્ટરના 3,543 પદ મંજૂર કરવામાં આવ્યા છે, તેમાંથી 2,318 પદ પર જવાનો કાર્યરત છે અને 1225 પદો ખાલી પડ્યા છે. પોલીસ ઈન્સ્પેક્ટરના 1090 મંજૂર પદ છે, જેમાંથી 977 પદ પર નિયુક્તિ કરવામાં આવી છે અને બાકીના 313 પદ હજી ખાલી પડ્યા છે.
આસિસ્ટન્ટ પોલીસ કમિશનરના 141 મંજૂર પદમાંથી 29 ખાલી પડ્યા છે. ડેપ્યુટી પોલીસ કમિશનરના 43 મંજૂર પદમાંથી 39 પદે નિયુક્તિ આપવામાં આવી છે અને ચાર પદ ખાલી પડ્યા છે. અપર પોલીસ કમિશનરનાં 12 મંજૂર પદમાંથી પણ એક પદ ખાલી છે. આટલી મોટી સંખ્યામાં પોલીસ જવાનોના પદ ખાલી પડ્યા છે ત્યારે મુંબઈની સુરક્ષાની ચિંતા અંત્યત ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે.