
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કાર્યક્રમના મુખ્ય યજમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી હશે. અગિયાર દિવસના અનુષ્ઠાન કરનારા પીએમ મોદીનો મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ જારી કરવામાં આવ્યો છે.
રામનગરી અયોધ્યામાં પીએમ મોદી પાંચ કલાક માટે હાજર રહેશે, જેમાં દેશ વિદેશના મહાનુભાવો આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનશે. આ કાર્યક્રમ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેની સુરક્ષા પણ કડક રાખી છે, ત્યારે પાંચ કલાકથી વધુ સમય વીતાવશે. પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં પીએમ મોદી સવારે 10.25 વાગ્યે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે, જ્યાંથી 10.55 વાગ્યે રામ જન્મભૂમિ પહોંચશે.
બપોરે 12.05 વાગ્યે તેઓ રામમંદિર પહોંચશે અને પ્રાણ પ્રતિષ્ઠા સાથે પૂજાપાઠ શરુ કરશે. એ જ વખતે ભગવાન શ્રીરામની પ્રતિમાના નેત્ર આવરણ ખોલશે અને જળાભિષેક કરાવીને સ્નાન કરાવશે. કાર્યક્રમના મુખ્ય યજમાન એવા પીએમ મોદી બપોરે એક વાગ્યે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરના બે વાગ્યે શિવમંદિરમાં પૂજા કરશે, જ્યારે આ કાર્યક્રમમાં આઠ હજારથી વધુ મહેમાનો ભાગ લેશે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન સિવાય જાણીતા વિદ્વાનો, સંતો, નેતાઓ અને કલાકારો પણ ઉપસ્થિત રહેશે.
રામ મંદિર નિર્માણ સમિતિના પ્રમુખ નૃપેન્દ્ર મિશ્રએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાહેર જનતાને પણ સંબોધશે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસનું પ્રસારણ ન્યૂ યોર્ક ટાઈમ્સ સ્કવેર ખાતે લાઈવ ટેલિકાસ્ટ સહિત પેરિસમાં એફિલ ટાવર નજીક શોભાયાત્રા કાઢવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આસપાસ પાંચ સ્તરીય સુરક્ષા હશે, જેમાં સિક્યોરિટી, સિવિલ પોલીસ સહિત અલગ અલગ એજન્સીના 30,000થી વધુ જવાનને તહેનાત રાખવામાં આવ્યા છે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મેગા ઈવેન્ટનું લાઈવ સ્ક્રિનિંગ આવતીકાલે સવારે 11 વાગ્યે શરૂ થશે અને દેશના ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં મંદિરો અને જાહેર સ્થળોએ પ્રદર્શિત કરવામાં આવશે. સમગ્ર સમારંભનું દૂરદર્શનની તમામ ચેનલો પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ માટે દૂરદર્શને રામ જન્મભૂમિ મંદિર સંકુલ સહિત અયોધ્યામાં વિવિધ સ્થળોએ લગભગ 40 કેમેરા સ્થાપિત કર્યા છે અને કવરેજ 4,000 ડિસ્પ્લેમાં ઉપલબ્ધ હશે.
ઉલ્લેખનીય છે કે આજે સવારે 9 વાગ્યે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થઈ હતી, જ્યાં શ્રી રામ લલ્લાની મૂર્તિને 114 કળશમાં ઔષધીય જળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું અને દેશના વિવિધ તીર્થસ્થાનોમાંથી લાવવામાં આવેલા પવિત્ર જળથી. પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં દરરોજ પૂજા, હવન અને પારાયણ સાથે આજની પૂજા પ્રક્રિયા શરૂ થઈ હતી, જે સાંજ સુધી ચાલુ રહી હતી.