આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિક્રોલીમાં આંબેડકર હૉસ્પિટલમાં આગ: આઈસીયુના દર્દીને રાજાવાડીમાં ખસેડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વિક્રોલી (પૂર્વ)માં આવેલી મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલના આઈસીયુ વોર્ડમાં શનિવાર મધરાત બાદ શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું. પરંતુ આઈસીયુમાં સારવાર લઈ રહેલા છ દર્દીમાંથી ગંભીર હાલતમાં રહેલા બે દર્દીને ઘાટકોપરમાં આવેલી રાજાવાડી હૉસ્પિટલમાં તાત્કાલિક ધોરણે શિફ્ટ કરવામાં આવ્યા હતા.

વિક્રોલીમાં ટાગોર નગર ગ્રુપ નંબર સાતમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલ આવેલી છે. શનિવારે મધરાત બાદ ૧.૪૭ વાગે ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેલા આઈસીયુ વોર્ડમાં ઍર સક્શનના મુખ્ય કેબલમાં શોર્ટ સર્કિટ થઈને આગ લાગી હતી અને મોટા પ્રમાણમાં ધુમાડો નીકળવા માંડ્યો હતો. ફરજ પર રહેલા કર્મચારીને ધ્યાનમાં આવતા તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી અને આઈસીયુમાં રહેલા છ દર્દીને બહાર કાઢવામાં આવ્યા હતા. આગને કારણે નીકળેલા ધુમાડાને કારણે હૉસ્પિટલમાં રહેલા દર્દી અને તેમના સંબંધીઓમાં ગભરાટ વ્યાપી ગયો હતો.

ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને થોડા સમયમાં જ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે આગને કારણે આઈસીયુ વોર્ડને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. આગ લાગી ત્યારે આઈસીયુ વોર્ડમાં છ દર્દી સારવાર લઈ રહ્યા છે, તેમાંથી બે દર્દીની હાલત ક્રિટીકલ હોવાથી તેમને તાત્કાલિક ઍમ્બ્યુલન્સમાં ઘાટકોપરમાં આવેલી રાજાવાડી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તો અન્ય ચાર દર્દીને કેઝ્યુલ્ટીમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

લગભગ પોણો કલાકમાં આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગની દુર્ઘટના બાદ પાલિકા પ્રશાસને તપાસનો આદેશ આપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button