INDvsENG: ‘કોહલીનો ઈગો હર્ટ કરો…’ ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ ટીમને સ્લેજિંગ કરવાની સલાહ આપી
ઘરઆંગણે રમાયેલી અફઘાનિસ્તાન સામેની ત્રણ T20 મેચની સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે તૈયારીઓ કરી રહી છે. હૈદરાબાદમાં 25 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે સિરીઝનો પ્રથમ મેચ શરુ થશે. બે મજબુત ટીમો વચ્ચેની આ ટેસ્ટ સિરીઝ ખુબજ રોમાંચક રહેવાની પૂરી શક્યતા છે, ત્યારે સિરીઝની શરૂઆત પહેલા એક બીજા પર પ્રેસર બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.
ઈંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને ખાસ સલાહ આપી છે. મોન્ટી પાનેસરે સ્ટોક્સને ચોખ્ખું કહ્યું કે જો તમે ટેસ્ટ મેચ દરમિયાન કોહલીનો ઈગો હર્ટ કરશો તો તમને ત્યાં સફળતા મળશે.
મોન્ટી પાનેસરે કહ્યું કે, “તમે કોહલીના ઈગો સાથે રમો જેથી કરીને તે સાઇકોલોજિકલ રીતે ફસાઈ જાય. તેને એવું પણ કહેવું જોઈએ કે જ્યારે ફાઈનલની વાત આવે, તમે લોકો ચોકર્સ છો. આવી વાતો કરીને તેમને સ્લેજ કરવા જોઈએ.”
મોન્ટી પાનેસરે આગળ કહ્યું, ” બેન સ્ટોક્સે ODI અને T20 વર્લ્ડ કપ જીત્યો છે અને કોહલી નથી જીતી શક્યો અને આ તેને માનસિક રીતે પરેશાન કરી શકે છે. આવી સ્થિતિમાં, હું ઇંગ્લેન્ડના ખેલાડીઓને કોહલીના ઈગો સાથે રમવા આને એવી વાતો કરવા કહું છું જેથી તે દબાણમાં આવી જાય.”
પાનેસર ઉપરાંત ઓલી રોબિન્સને પણ ભારતીય ખેલાડીઓના અહંકારને ઠેસ પહોંચાડવાની વાત કરી છે. તેણે કહ્યું છે કે, “વિરાટનો ઈગો મોટો છે અને મને લાગે છે કે તેની સામે રમવું ખૂબ જ રસપ્રદ રહેશે, ખાસ કરીને ભારતમાં. ભારતમાં કોહલી બોલરો પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરે છે. અમે પહેલા પણ સામસામે આવી ચુક્યા છીએ. કોહલી સામે રમવું ખૂબ જ રોમાંચક હશે.”
અત્રે ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 સાઇકલ માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. ઈંગ્લેન્ડની ટીમ ભારત સામે બેઝબોલની રણનીતિ અપનાવે છે કે નહીં એ જોવાનું રહેશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી 131 ટેસ્ટ મેચ રમાઈ છે જેમાં ભારત માત્ર 31 મેચ જ જીતી શક્યું છે જ્યારે ઈંગ્લેન્ડ 50 મેચ જીતવામાં સફળ રહ્યું છે. આ સિવાય 50 ટેસ્ટ મેચ ડ્રો થઈ રહી છે. આ વખતે પણ બંને ટીમો વચ્ચે રોમાંચક ટેસ્ટ મેચની અપેક્ષા છે.
ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમઃ બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહેમદ, જેમ્સ એન્ડરસન, ગુસ એટકિન્સન, જોની બેરસ્ટો, શોએબ બશીર, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ડકેટ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, જો. રુટ અને માર્ક વુડ.
પ્રથમ બે ટેસ્ટ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર/બેટ્સમેન), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર) , રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ. સિરાજ, મુકેશ કુમાર અને અવેશ ખાન
ભારત vs ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ:
1લી ટેસ્ટ: 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ)
2જી ટેસ્ટ: 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ (ડૉ વાયએસ રાજશેખર ક્રિકેટ સ્ટેડિયમ)
૩જી ટેસ્ટ: 15-19 ફેબ્રુઆરી, રાજકોટ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
4થી ટેસ્ટ:, 23-27 ફેબ્રુઆરી, રાંચી (JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ)
5મી ટેસ્ટ: 7-11 માર્ચ, ધર્મશાલા (હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)