નેશનલ

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલ્લાની મૂર્તિઓનો સ્ટોક ખાલી! ઝંડા-ટોપી-ટીશર્ટના ભાવ આસમાને

Ayodhya Ram Mandirમાં આવતીકાલે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવાનો છે, ત્યારે દેશભરના લોકોમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. પીએમ મોદીએ પણ દેશવાસીઓને દિવાળીના પર્વની જેમ આ પ્રસંગની ઘરેઘરે ઉજવણી થાય તેવો અનુરોધ કરતા લોકો પણ તેને અનુસરી રહ્યા છે. દુકાનોમાં પ્રભુ શ્રીરામની સોનાનો ઢોળ ચડાવેલી મૂર્તિઓની ભારે માગ જોવા મળી રહી છે, ઉપરાંત રામનામથી ધજા, રામનામ લખેલી ટોપી તથા ટીશર્ટ વગેરની ખરીદીમાં પણ લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

જે પ્રકારે ક્રિકેટ મેચ દરમિયાન ગમતી ટીમની ટીશર્ટ ખરીદવા લોકોમાં પડાપડી થતી હોય છે તે જ પ્રકારે હાલમાં લોકોમાં રામનામની કોઇપણ સામગ્રી ખરીદવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે સ્વાતંત્ર્ય દિવસે અને પ્રજાસત્તાક દિવસે રસ્તા પર ઠેર ઠેર ઝંડાનું વેચાણ થતું હોય છે, તેની જેમ જ અત્યારે રસ્તા પર રામનામની ધજાથી માંડીને રામનામની ટોપી-ટીશર્ટથી માંડીને કૂર્તા સુધી ચપોચપ કપડાંનું વેચાણ થઇ રહ્યું છે.


આ ઉપરાંત સદ્ધર કુટુંબના લોકો પ્રભુની મૂર્તિઓથી માંડીને રામનામની ડિઝાઇનના સોનાચાંદીના દાગીનાની પણ ભારે માગ કરી રહ્યા છે. મોંઘી કિંમતો ધરાવતા દાગીના સહિત શો-પીસ તેમજ કોઇને ભેટમાં આપવા માટે પણ મૂર્તિઓની ડિમાન્ડ બજારમાં જોવા મળી રહી છે. જેને પગલે સોનાચાંદીના વેપારીઓને ધૂમ કમાણી થઇ રહી છે. એક સામાન્ય ડિઝાઇન ધરાવતી સોનાની પરત ચડાવેલી પ્રભુની મૂર્તિની પણ અંદાજે 30,000 રૂપિયાની કિંમત છે. આ હજુ શરૂઆતનો ભાવ છે. જેમ જેમ મૂર્તિઓની વિશેષતા વધે તેમ તેમ તેના ભાવ વધે છે. અમુક મૂર્તિઓના ભાવ 2,20,000 રૂપિયા સુધી પણ પહોંચી રહ્યા છે. આમ રોકેટ સ્પીડે ભાવ વધી રહ્યા હોવા છતાં પણ મૂર્તિઓનો સ્ટોક ખલાસ થઇ ગયો છે અને ગ્રાહકોના ધસારાને પહોંચી વળવા અમુક મૂર્તિઓને વિદેશથી આયાત કરવાની પણ ફરજ પડી છે.


લખનૌના એક દાગીનાના વેપારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારે ત્યાં આવનારા ગ્રાહકો ભેટ આપવા માટે તેમજ ઘરમાં રાખવા માટે પણ મૂર્તિઓ લઇ જાય છે. આ ઉપરાંત રામ મંદિરના મોડલ્સની પણ ગ્રાહકો માગ કરી રહ્યા છે. જેના સ્ટોક માટે હવે 2 અઠવાડિયા સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ આવી પડી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button