નેશનલ

કચ્છમાં ફરી ૩.૭ની તીવ્રતાનો ભૂકંપ: રાપર નજીક કેન્દ્રબિંદુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: એક તરફ, ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧માં કચ્છને તારાજ કરનારા ભયાનક ધરતીકંપની ૨૪મી વરસી નજીક આવી રહી છે ત્યારે બીજી બાજુ ધરતીના પેટાળમાં વધેલી સીસ્મિક એક્ટિવિટીને પગલે, ભૂકંપ ઝોન-૫માં સમાવાયેલા સરહદી જિલ્લા કચ્છમાં મહાભૂકંપ બાદ શરૂ થઇ ગયેલો આફ્ટરશોક્સનો સિલસિલો જારી રહેતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. તાજેતરમાં ગત પાંચમી
જાન્યુઆરીએ ધોળાવીરાથી ૬૦ કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય રણસરહદે ગગનભેદી ધડાકા સાથે આવેલા ભૂકંપના ૪.૧ની તીવ્રતાના શક્તિશાળી આંચકા બાદ હાઇપર એક્ટિવ થયેલા પૂર્વ બાજુના વાગડ ફોલ્ટમાં ગત શુક્રવારની સમી સાંજે ૭ અને ૧૩ કલાકે રાપરથી ૨૪ કિલોમીટર દૂર ખારોઇથી કકરવા તરફ જતા માર્ગ નજીક પશ્ર્ચિમ-દક્ષિણ-પશ્ર્ચિમ દિશાએ કેન્દ્રબિંદુ ધરાવતો ૩.૭ની તિવ્રતાનો આફ્ટરશોક ગાંધીનગર સ્થિત સિસમોલોજી કચેરી ખાતે નોંધાયો હતો જેના પગલે કેંદ્રબિન્દુની આસપાસના નેર, કડોલ અને ખારોઈ ગામના લોકો ભયના માર્યા ફફડી ઊઠ્યા હતા.
ભયાવહ ભૂકંપની ૨૪મી વરસી નજીકમાં જ છે ત્યારે અચાનક હાઇપર એક્ટિવ બનેલી કચ્છની ફોલ્ટલાઈનોમાં ભૂકંપના આંચકાઓનો દોર ચિંતાજનક રીતે વધી ગયો છે. કચ્છમાં આમ તો બે દાયકા અગાઉ આવેલા મહાવિનાશક ધરતીકંપ બાદ સતત આંચકાઓ આવી રહ્યા છે, પણ છેલ્લા સાત-આઠ મહિનામાં ભૂકંપના આંચકાઓનું પ્રમાણ અચાનક વધી ગયું છે. ચાલુ શિયાળાના ઠંડા દિવસોમાં ભૂકંપ ઝોન-૫માં આવતા કચ્છમાં નવા વર્ષના બે સપ્તાહના ટૂંકા ગાળામાં ઉદ્ભવેલા નાના-મોટા આંચકાઓએ કચ્છને ધ્રુજાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button