અયોધ્યામાં આમંત્રિતો સિવાયના લોકોને પ્રવેશવા પર પ્રતિબંધ
અયોધ્યા: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા એક અઠવાડિયાનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે. તેમજ ૨૦ જાન્યુઆરીથી આમંત્રિતો સિવાયના બહારના લોકોને ૨૨ જાન્યુઆરી સુધી અયોધ્યામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
૨૦ જાન્યુઆરીએ એટલે કે ગઇકાલે અનુષ્ઠાનનો પાંચમો દિવસ હતો. પાંચમા દિવસે શકરાધિવાસ, ફલાધિવાસ અને પુષ્પાધિવાસની વિધિ થઇ હતી. જેમાં ભગવાનને ફળ-ફૂલ અને સાકર અર્પણ કરવામાં આવ્યા હતા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમનું આહ્વાન કરવામાં આવ્યું હતું. આજના અનુષ્ઠાનમાં નખથી તાજ સુધી શક્તિનો સંચાર કરવા માટેના મંત્રોના જાપ થશે. ત્યારબાદ શ્રી વિગ્રહનો મહાભિષેક કરવામાં આવશે. અંતે ૨૨ જાન્યુઆરીએ બપોરે ૧૨.૨૦ કલાકે પ્રાણપ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થશે, જેમાં સોનાના સિક્કાથી ભગવાનની આંખો ખોલવામાં આવશે. આ સાથે અઠવાડિયા સુધી ચાલેલી ધાર્મિક વિધિ પૂરી થશે.
શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને મધરાતથી ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરી દેવામાં આવ્યા છે. ડાયવર્ઝનને કારણે લખનઊ, ગોંડા, બસ્તી, આંબેડકરનગર, સુલતાનપુર, અમેઠીથી અયોધ્યા તરફ આવતાં વાહનોને અલગ-અલગ માર્ગો દ્વારા તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવામાં આવશે. અયોધ્યામાં ત્રણ દિવસ સુધી બહારના લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. જેઓ ત્યાંના સ્થાનિક લોકો છે તેમને ઓળખકાર્ડ આપવામાં આવ્યા છે. રામલલાના અભિષેક કાર્યક્રમ બાદ લખનઊ અને અયોધ્યા વચ્ચે દરરોજ ૮૦ બસો ચલાવવામાં આવશે. તેનાથી અંદાજે ૪૦ હજાર શ્રદ્ધાળુઓને રાહત મળશે. બસ સ્ટેન્ડ પરથી દર ૨૦ મિનિટના અંતરે મુસાફરો માટે બસો ઉપલબ્ધ રહેશે.