આમચી મુંબઈ

બેસ્ટની બસ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર દોડશે

મુંબઈ: બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમે તેના કાફલામાં વધુ સિંગલ અને ડબલ-ડેકર એસી બસો મેળવ્યા બાદ તેની બસો ’અટલ સેતુ’ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર ચલાવવાનું નક્કી કર્યું છે.

બેસ્ટનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨,૫૯૪ બસોનો વર્તમાન કાફલો હાલના બસ રૂટને પહોંચી વળવા માટે અપૂરતો છે. બેસ્ટ અંડરટેકિંગના જનરલ મેનેજર વિજય સિંઘલે જણાવ્યું હતું કે, અમે રૂટ પરની જરૂરિયાતની તપાસ કરીને આગામી દિવસોમાં અપેક્ષિત વધુ બસો મેળવ્યા બાદ અટલ સેતુ પર બસો ચલાવીશું . હાલમાં, બેસ્ટ પાસે સ્વિચ મોબિલિટી દ્વારા બનાવેલ લગભગ ૫૦ એસી ડબલ-ડેકર ઈ-બસો છે અને વધુ પાઇપલાઇનમાં છે. ઉપક્રમ ઓલેક્ટ્રા પાસેથી ૨૫ સિંગલ-ડેકર ઈ-બસની પણ અપેક્ષા રાખીએ છીએ.

સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર લગભગ ૫-૧૦ ડબલ અને સિંગલ-ડેકર બસોનું સંયોજન ચલાવવાની શક્યતા છે. આ રૂટ પર ‘ચલો’ પ્રીમિયમ બેસ્ટ બસો ચલાવવાની પણ યોજના છે જેનાથી પનવેલ, ખારઘર, ઉલવે અને નજીકના વિસ્તારોના નાગરિકોને દક્ષિણ મુંબઈ સુધી પહોંચવા માટે ફાયદો થશે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકની સફળતા માટે નાગરિકો જાહેર પરિવહન ખાસ કરીને બસો માટે માગ કરી રહ્યા છે.

વધુમાં, પરિવહન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવાથી ‘ત્રીજી મુંબઈ’ની રચનાને આગળ વધારવામાં મદદ મળશે. લાંબા ગાળાની યોજનાના ભાગરૂપે, પનવેલ, ઉરણ અને એમએમઆરના અન્ય ભાગોને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક સાથે આવરી લેતા ૩૨૩ ચોરસ કિમી વિસ્તારને શહેર તરીકે વિકસાવવામાં આવશે. બેસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર તેમની બસો માટે શૂન્ય ટોલ માટે પ્રયત્ન કરશે કારણ કે તે જાહેર પરિવહન છે. હાલમાં, બસ દ્વારા એક જ મુસાફરી માટે પ્રારંભિક ટોલ રૂ.૮૩૦ અને વળતર માટે રૂ.૧,૨૪૫ છે. તેવી જ રીતે, મિનિબસનો ટોલ એક તરફ મુસાફરી માટે રૂ.૪૦૦ અને વળતર માટે રૂ.૬૦૦ છે.

દરમિયાન, બસ ઓપરેટર અને મુંબઈ બસના સભ્ય માલક સંઘટનાએ જણાવ્યું હતું કે આંતર-શહેર પ્રવાસી બસો પુલ પર કાર્યરત નથી કારણ કે બસો, દક્ષિણ મુંબઈથી શરૂ થઈને મુંબઈ સેન્ટ્રલ, દાદર, સાયન, ચેમ્બુર થઈને નવી મુંબઈ તરફ જાય છે તેથી જો તેઓ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક લેશે,તો તેઓ આ પિક-અપ પોઈન્ટ ચૂકી જશે. જો કે, પરિવારો, મિત્રો અને ઓફિસો દ્વારા બુક કરાયેલી ખાનગી બસો મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક લઇ શકે, કારણકે તેઓ જ બસ બુક કરે છે, ટોલ ચૂકવે છે અને તેથી મુસાફરીનો સમય બચાવવા માટે રૂટની પસંદગી તેમની છે, કેમકે તે કિલોમીટરના આધારે દોડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button