ગુજરાતી પર્યટકોનું ફેવરિટ એવું રાષ્ટ્રપતિ ભવન દિલ્હીનું અમ્રુત ઉદ્યાન જાહેર જનતા માટે ખુલ્લુ મુકાશે, જાણો વિગત
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનમાં અમૃત ઉદ્યાન ટૂંક સમયમાં જ જાહેર જનતા માટે ખુલવા જઈ રહ્યું છે. અમૃત ઉદ્યાન 2જી ફેબ્રુઆરીએ ખુલશે અને તમે 31મી માર્ચ સુધી અહીંની સુંદરતાનો આનંદ માણી શકશો. અમૃત ઉદ્યાન પહેલા મુગલ ગાર્ડન તરીકે જાણીતું હતું. દર વર્ષે આ સ્થળની સુંદરતા જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. આ ગાર્ડન ઉત્સવ-1 અંતર્ગત ખુલવા જઈ રહ્યો છે.
આ પાર્કમાં ચોક્કસ કેટેગરીના લોકોમાં માટે ખાસ દિવસો નક્કી કરવામાં આવ્યા છે.
22 ફેબ્રુઆરી: વિકલાંગ લોકો
23 ફેબ્રુઆરી: સંરક્ષણ, અર્ધલશ્કરી અને પોલીસ દળના કર્મચારીઓ
માર્ચ 1: મહિલાઓ અને આદિવાસી મહિલા સ્વ-સહાય જૂથો
માર્ચ 5: અનાથાશ્રમના બાળકો
સમયની વાત કરવામાં આવે તો અમૃત ઉદ્યાનમાં સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધીના બે સ્લોટ હશે. ફોરનૂન સ્લોટ સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો રહેશે, જેમાં સપ્તાહના અંતે 10 હજાર લોકોને જ્યારે અન્ય દિવસોમાં 7.5 હજાર લોકોને મંજૂરી આપવામાં આવશે. જ્યારે બપોરનો સ્લોટ બપોરે 12 થી 4 વાગ્યા સુધીનો રહેશે. જેમાં સપ્તાહના અંતે 7500 લોકોને અને અન્ય દિવસોમાં 5000 લોકોને મંજૂરી આપવામાં આવશે.
આપને જણાવી દઈએ કે ટિકિટનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી પરંતુ મુલાકત માટે વેબસાઇટ પરથી ફ્રી ટિકિટ મેળવવી ફરજિયાત છે. ટિકિટ વગર અહી કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં.
મુલાકાતીઓ માટે સામાન્ય નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યા છે જે નીચે પ્રમાણે છે.
અહીં આવતા મુલાકાતીઓએ રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 12 પરના સર્વિસ કાઉન્ટર અને સેલ્ફ-સર્વિસ કિઓસ્ક પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
બધા મુલાકાતીઓ નોર્થ એવેન્યુ અને રાષ્ટ્રપતિ ભવનના ચોક પાસેના ગેટ નંબર 35માંથી પ્રવેશ કરી શકશે અને બહાર નીકળી શકશે.
અહીં આવતા લોકો માટે એક્ઝિટ ગેટ પર ફૂડ કોર્ટ ઉપલબ્ધ રહેશે.
અહીં આવતા મુલાકાતીઓ માટે, સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 સુધી શટલ બસ સેવા ઉપલબ્ધ રહેશે, જે દર 30 મિનિટે સવારે 9:30 થી સાંજે 5 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
અમૃત ઉદ્યાનમાં બોંસાઈ ગાર્ડન, મ્યુઝિકલ ફાઉન્ટેન, સેન્ટ્રલ લૉન, લોંગ ગાર્ડન અને સર્ક્યુલર ગાર્ડન સહિત વિવિધ આકર્ષણો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દિલ્હીની મુલાકાત લેતા હોય છે તેવામાં આ માહિતી પણ તેમના માટે મહત્વની સાબિત થશે.