અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતનો 84 રનના માર્જિન સાથે વિજયી આરંભ
બ્લોમફોન્ટેન: સાઉથ આફ્રિકામાં શુક્રવારે શરૂ થયેલા અન્ડર-19 મેન્સ વન-ડે વર્લ્ડ કપમાં બિગેસ્ટ ચૅમ્પિયન ભારતની પ્રથમ મૅચ શનિવારે બાંગલાદેશ સામે હતી જેમાં ભારતે 84 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો. ઓપનર આદર્શ સિંહના 76 રન તથા કૅપ્ટન ઉદય સહરાનના 64 રન, ગુજરાતી ખેલાડી પ્રિયાંશુ મોલિયાના 23, વિકેટકીપર અરાવેલી અવિનાશના 23 રન તેમ જ સચિન ધાસના અણનમ 26 રનની મદદથી 50 ઓવરમાં 7 વિકેટે 251 રન બનાવ્યા હતા. બાંગલાદેશની ટીમ શરૂઆતના ધબડકા બાદ મિડલ-ઑર્ડરમાં સારું પર્ફોર્મ કર્યા પછી છેવટે 167 રનમાં આઉટ થતાં ભારતે 84 રનથી જીત મેળવી લીધી હતી. બોલર્સમાં સ્પિનર સૌમ્ય પાન્ડે (24 રનમાં ચાર વિકેટ) સુપરસ્ટાર નીવડ્યો હતો. પ્રિયાંશુ તેમ જ બીજા ગુજરાતી ખેલાડી રાજ લિંબાણીએ એક-એક વિકેટ અને મુંબઈના મુશીર ખાને બે વિકેટ લીધી હતી. બંગલાદેશની ટીમમાં મોહમ્મદ જેમ્સે 98 મિનિટ સુધી ભારતીય બોલર્સનો સામનો કરીને 54 રન બનાવ્યા હતા. અરિફુલ ઇસ્લામ (41 રન) સાથે તેની 77 રનની ભાગીદારી થઈ હતી. આદર્શ સિંહને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. ભારત હવે પચીસમીએ આયર્લેન્ડ સામે રમશે.
શનિવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનને 181 રનથી અને ઇંગ્લૅન્ડે સ્કૉટલૅન્ડને સાત વિકેટે હરાવ્યું હતું.