ઑસ્ટ્રેલિયન ઓપનમાં મેજર અપસેટ: વર્લ્ડ નંબર-વનને નવીસવી ટીનેજરે હરાવી દીધી
મેલબર્ન: પોલૅન્ડની વર્લ્ડ નંબર-વન મહિલા ટેનિસ પ્લેયર ઇગા સ્વૉન્ટેક મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપનમાં ક્યારેય સેમિ ફાઇનલથી આગળ નથી વધી શકી અને આ વખતે તો તે ત્રીજા રાઉન્ડમાં જ હારી ગઈ છે. શનિવારે તેને 50મો રૅન્ક ધરાવતી ચેક રિપબ્લિકની લિન્ડા નૉસ્કોવાએ હરાવીને મેજર અપસેટ સરજ્યો હતો.
સ્વૉન્ટેક ચાર ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સ ટાઇટલ જીતી છે, જ્યારે નૉસ્કોવા આ ટૂર્નામેન્ટના મેઇન ડ્રૉમાં પહેલી જ વખત રમી રહી છે. બાવીસ વર્ષની સ્વૉન્ટેક પ્રથમ સેટ 6-3થી જીતી હતી, પરંતુ પછીથી તેણે રિધમ ગુમાવી દેતાં અનસીડેડ નૉસ્કોવાએ બીજા બે સેટ 6-3, 6-4થી જીતીને તેને સ્પર્ધાની બહાર કરી દીધી હતી. ખાસ કરીને નિર્ણાયક સેટમાં સ્વૉન્ટેકે ફૉરહૅન્ડ શૉટ્સના કચાશને લીધે પરાજય સ્વીકારી લેવો પડ્યો હતો.
નૉસ્કોવા માટે આ સિદ્ધિ વધુ મહત્ત્વની એટલા માટે છે કે સ્વૉન્ટેક પહેલા રાઉન્ડમાં 2020ની ઑસ્ટ્રેલિયન ઓપન ચૅમ્પિયન સોફિયા કેનિનને અને બીજા રાઉન્ડમાં 2022ની ફાઇનલિસ્ટ ડેનિયેલ કૉલિન્સને હરાવીને થર્ડ રાઉન્ડમાં આવી હતી. સ્વૉન્ટેક સપ્ટેમ્બર મહિનાથી સતત 18 મૅચ જીતીને આ ત્રીજા રાઉન્ડમાં આવી હતી, પરંતુ નૉસ્કોવાએ તેની વિજયી કૂચ ત્યાં જ અટકાવી દીધી હતી.
નૉસ્કોવા પહેલી જ વખત ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધાના ચોથા રાઉન્ડમાં પહોંચી છે. તેણે મૅચ પછી કહ્યું, ‘શું કહેવું એ જ મને નથી સમજાતું. શબ્દો નથી જડતાં. હું પહેલેથી જ જાણતી હતી કે વિશ્ર્વની નંબર-વન ખેલાડી સ્વૉન્ટેક સામેની આ મૅચ અમેઝિંગ થશે જ અને થઈને રહી. મારી ખુશીનો કોઈ પાર નથી.
રવિવારથી શનિવાર સુધીમાં સ્વૉન્ટેકની પહેલાં થર્ડ-સીડેડ એલેના રબાકિના, ફિફ્થ-સીડેડ જેસિકા પેગુલા અને સિક્સ્થ-સીડેડ ઑન્સ જૅબ્યૉર હારી ગઈ હતી. હવે બાકી રહેલી ક્રમાંકિત પ્લેયરોમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન અરીના સબાલેન્કા, યુએસ ઓપન વિજેતા કૉકો ગૉફ અને બાર્બોરા ક્રેસિકોવા બાકી રહી છે.
સ્વૉન્ટેકને આંચકો આપનાર નૉસ્કોવા હવે ચોથા રાઉન્ડમાં યુક્રેનની એલિના સ્વિતોલિના અથવા સ્વિટ્ઝરલૅન્ડની વિક્ટોરિયા ગૉલુબિચ સામે રમશે.