રવિવારે આખા શહેર પર છવાઈ જશે મુંબઈ મૅરેથૉનનો જાદુ
મુંબઈ: એશિયાની સૌથી મોટી અને રનર્સમાં સૌથી વધુ ફૉલો થતી ટાટા મુંબઈ મૅરેથૉન (ટીએમએમ) ફરી એકવાર આવી ગઈ છે. રવિવાર, 21 જાન્યુઆરીની આ મહા-દોડમાં 50,000થી પણ વધુ લોકો ભાગ લેશે. ઐતિહાસિક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) આ જગવિખ્યાત મુંબઈ મૅરેથૉનની સ્ટાર્ટ લાઇન છે અને એમાં મુંબઈના ખૂણે-ખૂણેથી તેમ જ દેશ-વિદેશથી અનેક લોકો ભાગ લે છે.
આબાલવૃધ્ધ સૌ કોઈમાં ફેમસ મુંબઈ મૅરેથૉનમાં આ વખતની દોડમાં ગોપી ટી. અને આરતી પાટીલ ભારતીય સંઘની આગેવાની લેશે. આ મૅરેથૉનના ભારતીય વિજેતાઓમાંથી મેન્સ વિનરને તેમ જ વિમેન્સ વિનરને (પ્રત્યેક વિજેતાને) પાંચ લાખ રૂપિયાનું પ્રથમ ઇનામ મળશે અને એમાં બે લાખ રૂપિયાની બોનસની રકમનો પણ ઉમેરો થશે. હાફ મૅરેથૉનમાં એશિયન ગેમ્સના સિલ્વર-મેડલિસ્ટ કાર્તિક કુમાર તથા બ્રૉન્ઝ-મેડલિસ્ટ ગુલવીર સિંહ આકર્ષણના કેન્દ્ર બની શકે.
તરરાષ્ટ્રીય રનર્સમાં ઇથોપિયાના હેઇલ લેમી બેર્હાનુ તથા ઍન્શિયાલેમ હેમનૉત પણ ભાગ લેશે અને ટાઇટલ ડિફેન્ડ કરવા કોઈ કસર નહીં છોડે.
વહેલી સવારે 5.00 વાગ્યે મૅરેથૉન શરૂ થશે અને એનું જીવંત પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર માણવા મળશે. સોનીલિવ અને ફૅનકોડ ઍપ તથા વેબસાઇટ પર પણ આ મૅરેથૉનનું લાઇવ સ્ટ્રીમિંગ થશે.
42.195 કિલોમીટરની મૅરેથૉન એલીટ રેસ (મુખ્ય દોડ) સીએસએમટી ખાતે સવારે 7.20 વાગ્યા શરૂ થયા બાદ એ જ સ્થળે પૂરી થશે.
21.097 કિલોમીટરની હાફ મૅરેથૉન તથા પોલીસ કપ સ્પર્ધા સવારે 5.00 વાગ્યે માહિમ રેતી બંદર ગ્રાઉન્ડ, માહિમ કૉઝવે ખાતેથી શરૂ થશે અને ઓસીએસ ચોકી ખાતે પૂરી થશે.
અન્ય ખૂબ લોકપ્રિય મૅરેથૉનમાં 5.9 કિલોમીટરની ડ્રીમ રન, 4.2 કિલોમીટરની સિનિયર સિટિઝન્સ રન અને 1.3 કિલોમીટરની ચૅમ્પિયન્સ વિથ ડિસઍબિલિટીનો સમાવેશ છે જે અનુક્રમે સવારે 8.00 વાગ્યે, 7.35 વાગ્યે અને 7.22 વાગ્યે શરૂ થશે. ડ્રીમ રન તથા સિનિયર સિટિઝન્સની રેસ સીએસએમટી ખાતે શરૂ થઈને મેટ્રો થિયેટર, એમજી રોડ ખાતે પૂરી થશે. 10 કિલોમીટરની ઓપન રેસ તથા 42.195 કિલોમીટરની મૅરેથૉન ઍમેટર્સ નામની રેસ પણ યોજાશે.
તમામ મૅરેથૉન ફિનિશર્સને ફિનિશર મેડલ અપાશે, જ્યારે ફિનિશર્સ પોતાના ટાઇમિંગ સર્ટિફિકેટ 21 દિવસની અંદર આ ઇવેન્ટની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.
મુંબઈ મૅરેથૉનને લગતી વધુ વિગતો ટાટા મુંબઈ મૅરેથૉનની વેબસાઇટ પરથી મળી શકશે.