જેસન હોલ્ડરે કહ્યું, ‘ક્રિકેટ થોડા સમયમાં ફૂટબૉલના માર્ગે જતી રહેશે’
કિંગસ્ટન: વેસ્ટ ઇન્ડિઝનો ઑલરાઉન્ડર જેસન હોલ્ડર યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)ની ઇન્ટરનૅશનલ લીગ ટી-20 (આઇએલટી20)માં દુબઈ કૅપિટલ્સ વતી રમી રહ્યો છે અને બેહદ ખુશ છે, કારણકે અત્યારે તેના પર કૅરિબિયન ક્રિકેટની અનિશ્ચિતતાના વાદળો નથી અને આંતરરાષ્ટ્રીય મૅચોમાં સારું પર્ફોર્મ કરવાનો તેના પર કોઈ બોજ પણ નથી.
ઑસ્ટ્રેલિયા સામેની હાલની ટેસ્ટ-સિરીઝમાં રમવાનું ટાળીને યુએઇની ટૂર્નામેન્ટમાં રમી રહેલો હોલ્ડર હવે ફરી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રમશે ને નહીં અને ક્યારે રમશે એ નક્કી ન કહી શકાય, પરંતુ તેણે એક મુલાકાતમાં જે કહ્યું એ જરૂર વિચારવાલાયક છે. હોલ્ડરે કહ્યું, ‘ઘણા કહેતા હોય છે કે વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટરો ટેસ્ટ અને વન-ડે તરફ ખાસ લક્ષ નથી આપતા હોતા. જોકે આ સાવ વાહિયાત વિચાર છે. વાસ્તવમાં વેસ્ટ ઇન્ડિઝમાંથી એટલા બધા ક્રિકેટરો બહાર પડતા હોય છે જેમાંના ઘણા ખેલાડીઓ લીગમાં રમતા હોય છે એટલે એવું લાગે કે અમારા દેશના બધા પ્લેયરો ટી-20 લીગમાં જ રમવાનું પસંદ કરતા હોય છે. હું તો કહું છું કે જો 50 ઓવરની લીગ ટૂર્નામેન્ટ હોત અમારા ખેલાડીઓ એમાં પણ રમતા જોવા મળ્યા હોત. જો ટેસ્ટની કે ચાર-દિવસીય મૅચોની લીગ હોત તો એમાં પણ અમારા ઘણા પ્લેયરો રમી રહ્યા હોત.’
જેસન હોલ્ડરના મતે ‘ટી-20 અને ટી-10 લીગ ટૂર્નામેન્ટોના ફ્રૅન્ચાઇઝીઓ દ્વારા પ્લેયરોને મસમોટી રકમની ઑફર થતી હોવાને કારણે પણ કૅરિબિયન ખેલાડીઓ એ દિશામાં જઈ રહ્યા છે. અમને માત્ર લીગ રમવામાં જ રસ છે એ કહેવું તદ્ન ખોટું છે. હું તો કહું છું કે ક્રિકેટ થોડા સમયમાં ફૂટબૉલના માર્ગે જશે. જેમ સૉકરમાં ઇન્ટરનૅશનલ મૅચો ઉપરાંત ખાસ કરીને ફ્રૅન્ચાઇઝી-આધારિત અનેક લીગ સ્પર્ધાઓ માટે અલગ શેડ્યુલ બનાવાતું હોય છે એવું થોડા સમયમાં ક્રિકેટમાં પણ બનતું જોવા મળી શકે.’