લો બોલો! ઇરાન અને પાકિસ્તાન બંને દેશોને એર સ્ટ્રાઇકની પહેલેથી જાણ હતી
ઇરાનના મીડિયાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાને ઇરાન 16 જાન્યુઆરીએ એર સ્ટ્રાઇક કરવાનું છે તેવી બાતમી પહેલેથી જ મળી ગઇ હતી. ઇરાનના મીડિયાના સૂત્રોએ જણાવ્યા મુજબ પાકિસ્તાનને હુમલાની તો જાણ હતી, પરંતુ ઇરાન હુમલાની વિગતો સાર્વજનિક કરશે એ બાબતનો તેમને ખ્યાલ ન હતો.
રિપોર્ટ મુજબ ઇરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની નજીકની ગણાતી એક ટેલીગ્રામ ચેનલોએ 18 જાન્યુઆરીના રોજ લખ્યું હતુ કે ‘પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર ઇરાનની એરસ્ટ્રાઇક અંગે સરકાર સાથે તાલમેલ સાધવાની જરૂરિયાત હતી.’ પાકિસ્તાન સાથે આજે જે હુમલો કરવામાં આવ્યો તે અંગે પાકિસ્તાન અને ઇરાન વચ્ચે પહેલેથી જ સમજૂતી થઇ ચુકી હતી. બંને દેશોએ સરહદો પર આતંકવાદ સામે લડવા તથા સ્થાયીપણે શાંતિ સ્થપાય તે માટેનો દ્રઢ સંકલ્પ લીધો છે.
કેટલાક ઇરાની પત્રકારોએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ઇરાની રાષ્ટ્રપતિના દૂત હસન કાઝેમી-કોમીએ હાલમાં જ પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો, તે સમયે પાકિસ્તાનના નેતાઓ સાથે આ હુમલા અંગે પહેલેથી ચેતવણી આપવા સહિતની વાતચીત થઇ હોય તેવું બની શકે છે. જો કે આ પ્રકારની રિપોર્ટ્સને સમર્થન પ્રાપ્ત નથી.
ઇરાને પાકિસ્તાન પર જે એર સ્ટ્રાઇક કરી એ પછી પાકિસ્તાને પણ પલટવાર કર્યો હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે ઇરાને કરેલી એર સ્ટ્રાઇકમાં અનેક આતંકવાદી ઠેકાણા નષ્ટ થયા છે, તેમજ મિસાઇલ તથા ડ્રોન એટેકમાં 9 આંતકવાદીઓના પણ મોત થયા છે.