થઇ ગયું ફાઇનલ! તારા સિંહ પરત આવશે, 2025માં ગદર-3નું શૂટિંગ શરૂ થવાની શક્યતા
2023માં રિલીઝ થયેલી ગદરની સિક્વલ ગદર-2 દર્શકોને ખૂબ ગમી હતી. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન પણ ધમધોકાર રહ્યું હતું. ગદર-2ની વિક્રમજનક સફળતા બાદ એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે આ ફિલ્મના ત્રીજા ભાગની કામગીરી પણ જલ્દીથી શરૂ કરી દેવામાં આવશે, તાજેતરમાં જ અમુક મીડિયા રિપોર્ટ્સ પણ બહાર આવ્યા છે જેમાં કહેવાયું છે કે ગદર-3નો બેઝિક પ્લોટ વિશેનું પેપરવર્ક પૂરું થઇ ગયું છે, અને હવે સ્ક્રીપ્ટ પર કામ શરૂ કરી દેવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સનું સાચું માનીએ તો ઝી સ્ટુડિયો, અનિલ શર્મા અને સની દેઓલ બંને ત્રીજીવાર ગદર મચાવવા માટે સંમત થયા છે. દિગ્દર્શક અનિલ શર્માએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. એક ઇન્ટરવ્યુમાં અનિલ શર્માએ જણાવ્યું હતું કે ગદરના પહેલા 2 ભાગની જેમ ત્રીજા ભાગની વાર્તા પણ ભારત-પાકિસ્તાન યુદ્ધ પર જ આધારિત હશે. ફિલ્મનો મૂળ વિચાર શું હશે તે અમે નક્કી કરી લીધું છે પરંતુ ત્રીજો ભાગ પહેલાના ભાગોની સરખામણીમાં સાવ અલગ જ હશે. વિધિવત શૂટિંગ 2025માં શરૂ થાય તેવું અમારું આયોજન છે.
‘ગદર-2’ની કુલ કમાણી વિશે વાત કરીએ તો આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 525.45 કરોડ રૂપિયાનું કુલ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ સની દેઓલ અને અમિષા પટેલની અત્યાર સુધીની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મ છે.
જો કે સની દેઓલ પહેલા લાહોર-1947નું શૂટિંગ પતાવશે, એ પછી નિતેશ તિવારીની ‘રામાયણ’માં પણ તે પોતાના ભાગનું શૂટિંગ પૂરું કરશે અને એ પછી જ તે ગદરના ત્રીજા ભાગનું શૂટિંગ શરૂ કરશે.