Pannun ‘murder’ plot: ભારતની મુશ્કેલી વધી શકે છે, ચેક રિપબ્લિકની કોર્ટે નિખિલ ગુપ્તાના યુએસને પ્રત્યાર્પણને મંજુરી આપી
પ્રાગ: અમેરિકામાં રહેલા ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કથિત કાવતરામાં ભારતની સંડોવણી હોવાના આરોપ લાગ્યા હતા, જેને કારણે ભારત અને યુએસ વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો હતો. ચેક રિપબ્લિકની કોર્ટના એક નિર્ણય બાદ ભારતની મુશ્કેલીઓ વધી શકે છે.
ચેક રિપબ્લિકના ન્યાય મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રાગ હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે ચેક રિપબ્લિક નિખિલ ગુપ્તાનું યુનાઇટેડ સ્ટેટ્સને પ્રત્યાર્પણ કરી શકે છે. નિખિલ ગુપ્તા મૂળ ભારતીય છે, નિખિલ પર યુએસમાં ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના નિષ્ફળ કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે.
52 વર્ષીય નિખિલ ગુપ્તા પર ન્યૂયોર્કમાં યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં ભારતીય સરકારના કર્મચારી સાથે પન્નુનની હત્યાના નિષ્ફળ કાવતરામાં સંકળાયેલો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. નિખિલ ગુપ્તા યુએસ અને કેનેડિયન નાગરિકતા ધરાવે છે. ગુપ્તાની 30 જૂન, 2023 ના રોજ ચેક રિપબ્લિકના પ્રાગમાં ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેને ત્યાં જ રાખવામાં આવ્યો છે. અમેરિકાની સરકાર તેના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે.
ચેક રિપબ્લિકના ન્યાય મંત્રાલયના પ્રવક્તા વ્લાદિમીર રેપકાએ જણાવ્યું હતું. “કોર્ટનો નિર્ણય તમામ પક્ષકારોને પહોંચાડ્યા પછી, કેસની તમામ ફાઇલ સામગ્રી ન્યાય મંત્રાલયને સબમિટ કરવામાં આવશે. ન્યાય પ્રધાન પાવેલ બ્લાઝેક શ્રી ગુપ્તાના યુએસમાં પ્રત્યાર્પણની મંજૂરી આપવી કે નહીં તે નક્કી કરશે.”
પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોર્ટના નિર્ણય અંગે ન્યાય પ્રધાનને શંકા હોય, તો તેઓ ત્રણ મહિનાની અંદર નિર્ણયની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટને અરજી આપી શકે છે.
પ્રાગ હાઈકોર્ટે લોઅર કોર્ટના નિર્ણય સામે ગુપ્તાની અપીલને ફગાવી દીધી હતી. ગત ડિસેમ્બરમાં લોઅર કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી.