વડોદરાની દુર્ઘટના બાદ માંડવી બીચ પર સઘન ચેકિંગ, લાયસન્સ વગર બોટિંગ કરનારા ઝડપાયા
કચ્છ: વડોદરાની બોટ દુર્ઘટના બાદ રાજ્યમાં જેટલા પણ હરવાફરવાના સ્થળો છે ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં અધિકારીઓ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરામાં હરણી લેક બોટિંગ દુર્ઘટના થઇ એ પછી ઓખા-બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસમાં પણ પ્રવાસીઓને જોખમી રીતે બેસાડતા હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. જે પછી પ્રવાસીઓ માટે લાઇફ જેકેટ સહિતના સુરક્ષાના સાધનો ફરજિયાત કરી દેવાયા હતા.
ત્યારે કચ્છના માંડવી બીચ પર પણ અલગ અલગ પ્રકારની વોટર સ્પોર્ટ્ઝ એક્ટિવીટી થતી હોય છે, અધિકારીઓની તપાસમાં એવું બહાર આવ્યું છે કે ઘણા બોટધારકો પાસે બોટિંગ માટેનું લાયસન્સ નહોતું. માંડવી મામલતદાર વિનોદ ગોકલાણી અધિકારીઓની ટીમને લઇને માંડવી બીચ પર પહોંચ્યા હતા જ્યાં તેમણે નિયમોને નેવે મુકીને બોટિંગ કામગીરી ચાલતી હોવાનું જાણ્યું હતું. બીચ પર કુલ 16 બોટધારકોને જ લાયસન્સ ઇશ્યુ થયા છે, પરંતુ 16 કરતા વધુ બોટધારકો બીચ પર ધંધો કરતા હોવાનું ખૂલ્યું હતુ.
ઘણા બોટધારકો એવા પણ હતા જેમને બોટિંગનો કોઇ ખાસ અનુભવ પણ નહોતો, જો કોઇ બોટિંગ દુર્ઘટના થાય તો પ્રવાસીઓને બચાવવા માટે પૂરતા કર્મચારીઓ પણ નહોતા. અમદાવાદમાં પણ પ્રવાસીઓની સુરક્ષાનું ધ્યાન રાખવા વિશે કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરોને કડક સૂચના આપી દેવાઇ છે. રિવરફ્રન્ટ અને કાંકરિયા ખાતે હાલ બોટિંગ બંધ કરી દેવાયું હોવાનું અમુક મીડિયા અહેવાલોમાં જણાવાયું હતું.