શેર બજાર

શૅરબજારને ત્રણ દિવસની પછડાટ બાદ કળ વળી: નિફ્ટી ૨૧,૬૦૦ની ઉપર, આઇસીઆઇસીઆઇ, એરટેલમાં ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના સુધારા સાથે સ્થાનિક સ્તરે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નીચા મથાળે લેવાલીનો ટેકો મળતા શેરબજારને ત્રણ દિવસની પછડાટ બાદ કળ વળી હતી. ખાસ કરીને ઓઇલ અને મેટલ શેર્સમાં વેલ્યુ બાઇંગના જોર પર શુક્રવારે બેન્ચમાર્ક સેન્સેક્સ ૪૯૬ પોઈન્ટ્સ રિબાઉન્ડ થયો હતો, જ્યારે નિફ્ટી ૨૧,૬૦૦ના સ્તરની ઉપર બંધ થયો હતો.

દરમિયાન, બીએસઇ અને એનએસઇએ આજે શનિવારે બે સેશનમાં કામકાજ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જ્યારે બીજી તરફ, સરકારે બાવીસમી જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી હોવાથી નાણાં બજાર સવારના નવ વાગ્યાને સ્થાને બપોરે ૨.૩૦ વાગે ખૂલશે.

વિશ્ર્વબજારના સુધારાના સંકેત સાથે સેન્સેક્સ ઊંચા ગેપ સાથે ખૂલ્યો હતો પરંતુ સત્રના અંત સુધી બંને બેન્ચમાર્ક રેન્જબાઉન્ડ રહ્યાં હતાં. જોકે, વ્યાપક બજારમાં સારી લેવાલી જોવા મળી હતી અને મિડકેપ તથા સ્મોલકેપ ઇન્ડેક્સમાં બેન્ચમાર્ક કરતા બમણાંથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો.

બીએસઇનો ત્રીસ શેરવાળો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૪૯૬.૩૭ પોઈન્ટ અથવા ૦.૭૦ ટકાના ઉછાળા સાથે ૭૧,૬૮૩.૨૩ પોઇન્ટના સ્તર પર સેટલ થયા છે. દિવસ દરમિયાન તે ૭૦૮.૭૮ પોઈન્ટ અથવા ૦.૯૯ ટકા વધીને ૭૧,૮૯૫.૬૪ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. જ્યારે એનએસઇનો પચાસ શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૧૬૦.૧૫ પોઈન્ટ અથવા ૦.૭૫ ટકા વધીને ૨૧,૬૨૨.૪૦ પોઇન્ટની સપાટી પર બંધ રહ્યો હતો.

નોંધવું રહ્યું કે પાછલા ત્રણ દિવસમાં બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સમાં ૨.૯૧ ટકા અને નિફ્ટીમાં ૨.૮૭ ટકાનો ઘટાડો થયો હતો. સેન્સેક્સ કંપનીઓમાં ભારતી એરટેલ, એનટીપીસી, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઇટન, એક્સિસ બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ અને લાર્સન એન્ડ ટુબ્રો ટોપ ગેઇનર્સ બન્યાં હતાં. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ઇંઉઋઈ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતા.

એશિયન બજારોમાં, સિઓલ અને ટોકિઓ એક્સચેન્જના બેન્ચમાર્ક સુધારા સાથે ગ્રીન ઝોનમાં સ્થિર થયા હતા, જ્યારે શાંઘાઈ અને હોંગકોંગ નેગેટીવ ઝોનમાં સરકયા હતા. યુરોપિયન બજારોમાં ખૂલતા સત્રમાં તેજી જોવા મળી હતી. ગુરૂવારે અમેરિકન બજારો ઉછાળા સાથે બંધ થયા હતા.

ગુરૂવારે બીએસઇ બેન્ચમાર્ક ૩૧૩.૯૦ પોઈન્ટ અથવા ૦.૪૪ ટકા ઘટીને ૭૧,૧૮૬.૮૬ પર સ્થિર થયો હતો. નિફ્ટી ૧૦૯.૭૦ પોઈન્ટ અથવા ૦.૫૧ ટકા ઘટીને ૨૧,૪૬૨.૨૫ પર આવી ગયો હતો.
વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૬૩ ટકા વધીને ૭૯.૬૦ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ ગુરૂવારે રૂ. ૯,૯૦૧.૫૬ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ’બાય ઓન ડીપ્સ’ અને પ્રોત્સાહક વૈશ્વિક સંકેતોએ બજારની રિકવરીને પ્રોત્સાહન આપ્યું હતું.
નિષ્ણાતોએ કહ્યું હતું કે, આ સત્રનું રિબાઉન્ડ વ્યાપક લેવાલી આધારિત હતું, જો કે, રોકાણકારોનું મોરલ ડાઉન છે અને તેજીમાં ગમેત્યારે વિક્ષેપ પડશે એવી આશંકા ધરાવે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નોંધપાત્ર વેચવાલી ચાલુ રહી છે. વ્યાજ દરોમાં ઘટાડો નહીં થાય અને સ્થાનિક કોર્પોરેટ ક્ષેત્રના ત્રીજા ક્વાર્ટરના કમાણીના પ્રારંભિક પરિણામ જોતાં વૃદ્ધિ ધીમી પડી શકે છે તેવી સંભાવનાને કારણે વિદેશી ફંડોની વેચવાલી ચાલુ રહેવાની ધારણાં છે.

સેન્સેક્સમાં ભારતી એરટેલ ૩.૫૨ ટકા, એનટીપીસી ૩.૦૪ ટકા, ટેક મહિન્દ્રા ૨.૫૬ ટકા, ટાટા સ્ટીલ ૨.૪૦ ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૩૮ ટકા વધ્યા હતા, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક ૩.૨૪ ટકા, એચડીએફસી બેન્ક ૧.૦૮ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૦.૬૬ ટકા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૧૦ ટકા ઘટ્યા હતા. આ સત્રમાં બધા ગ્રુપની કુલ ૧૦ કંપનીઓમાંથી આઠ કંપનીઓને ઉપલી અને બે કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

આઈપીઓ ઈન્ડેક્સ ૧.૩૩ ટકા અને એસએમઈ આઈપીઓ ૧.૩૩ ટકા વધ્યા હતા. સેન્સેક્સની ૨૫ કંપનીઓ વધી અને ૫ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. ૩૭૩.૫૭ લાખ કરોડ રહ્યું હતું.બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ સ્મોલ કેપ ૧.૦૬ ટકા, સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૭૬ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૧.૯૮ ટકા, બીએસઈ મીડ કેપ ૧.૬૯ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૯૮ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૧.૦ ટકા, બીએસઈ ઓલ કેપ ૧.૦૦ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૮૩ ટકા વધ્યા હતા.

સેક્ટરલ ઈન્ડાયસીસમાં કમોડિટીઝ ૧.૪૪ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી ૧.૦૩ ટકા, એનર્જી ૧.૫૮ ટકા, એફએમસીજી ૧.૧૫ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિસ ૦.૬૦ ટકા, હેલ્થકેર ૦.૬૯ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૧.૬૨ ટકા, આઈટી ૧.૦૬ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૧.૭૯ ટકા, યુટિલિટીઝ ૧.૧૫ ટકા, ઓટો ૧.૧૬ ટકા, બેન્કેક્સ ૦.૦૬ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૪૫ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૦૪ ટકા, મેટલ ૧.૬૯ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૨.૧૭ ટકા, પાવર ૧.૧૭ ટકા, રિયલ્ટી ૦.૭૦ ટકા, ટેક ૧.૨૯ ટકા અને સર્વિસિસિ ૦.૦૪ ટકા વધ્યા હતા.

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ. ૧૯૯.૫૨ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૨,૧૧૧ સોદામાં ૨,૭૫૨ કોન્ટ્રેક્ટનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ ૧,૨૧,૧૪,૬૮૪ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.

બીએસઈ સેન્સેક્સ શુક્રવારે ગઈ કાલના ૭૧,૧૮૬.૮૬ના બંધથી ૪૯૬.૩૭ પોઈન્ટ્સ (૦.૭૦ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૭૧,૭૮૬.૭૪ ખૂલી, ઉપરમાં ૭૧,૮૯૫.૬૪ સુધી, નીચામાં ૭૧,૫૪૨.૭૪ સુધી જઈ અંતે ૭૧,૬૮૩.૨૩ પર બંધ રહ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…