વૈશ્ર્વિક ઉડ્ડયન બજારને નવી ઊર્જા આપવા ભારત સજ્જ: મોદી
બેંગલૂરુ: ઉડ્ડયન અને ઍરોસ્પેસ ક્ષેત્રે ભારતે લગાવેલી છલાંગ અને એ ક્ષેત્રમાં મહિલાઓની વધી રહેલી ભૂમિકાની પ્રશંસા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે વૈશ્ર્વિક ઉડ્ડયન બજારને નવી ઊર્જા આપવા ભારત સજ્જ છે. વિમાન ઉત્પાદક કંપની બૉઈંગના બેંગલૂરુ નજીક સ્થાપવામાં આવેલા ન્યૂ ગ્લોબલ ઍન્જિનિયરિંગ ઍન્ડ ટૅક્નોલોજી કૅમ્પસના ઉદ્ઘાટન બાદ સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે યુદ્ધવિમાન હોય કે પ્રવાસી વિમાન મહિલાઓ ઍરોસ્પેસ અને ઍવિયેશન ક્ષેત્રમાં અગ્રસ્થાને છે. ભારતમાં કુલ પાઈલટમાં ૧૫ ટકા મહિલા પાઈલટ છે જે વૈશ્ર્વિક સરેરાશ કરતા ત્રણગણી છે એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે મહિલાઓની આગેવાનીમાં વિકાસ કરવાનો સમય આવી ગયો છે. ભારત ડૉમેસ્ટિક ઍવિયેશન માર્કેટમાં વિશ્ર્વમાં ત્રીજા સ્થાને આવી ગયું છે અને એક દાયકામાં પ્રવાસીઓની સંખ્યા વધીને બમણી થઈ જશે, એમ તેમણે કહ્યું હતું.
ડોમેસ્ટિક ઍવિયેશન માર્કેટને વેગ આપવામાં ‘ઉડાન’ યોજનાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વધતી માગને ધ્યાનમાં રાખીને ભારતે સેંકડો વિમાનનો ઑર્ડર આપ્યો છે.
વૈશ્ર્વિક ઉડ્ડયન બજારને નવી ઊર્જા આપવા ભારત સજ્જ છે એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે અમે કનેક્ટિવિટી માર્કેટને પ્રાથમિકતા આપી રહ્યા છીએ જેને કારણે ભારત સારી રીતે કનેક્ટ થયેલું માર્કેટ બનશે.
કૉંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે અગાઉ ભારત તેની કાર્યક્ષમતાને કામગીરીમાં પરિવર્તિત નહોતું કરી શક્યું.
મોદીએ બૉઈંગ સુક્ધયા પ્રોગ્રામ પણ લૉન્ચ કર્યો હતો જેને મુખ્ય આશય દેશના વિકસતા ઍવિયેશન ક્ષેત્રમાં વધુ છોકરીઓના પ્રવેશને પ્રોત્સાહન આપવાનો છે, એમ તેમણે કહ્યું હતું.
૪૩ એકરમાં ફેલાયેલું બૉઈંગ ઈન્ડિયા ઍન્જિનિયરિંગ ઍન્ડ ટૅક્નોલૉજી સેન્ટર સૌથી વધુ રોકાણ ધરાવતું અમેરિકાની બહાર વિમાન ઉત્પાદક કંપની દ્વારા સ્થાપવામાં આવેલું સૌથી મોટું કૅમ્પસ છે. રૂ. ૧,૬૦૦ કરોડને ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. (એજન્સી)