એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક અને સિગ્નલથી છુટકારો મળશે
મુખ્ય જંકશનો પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા બનશે એક્સેસ રોડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જંકશનો પર ટ્રાફિકમાં કલાકો સુધી ફસાઈ જવાથી અને સિગ્નલ ખુલવાની રાહ જોવાથી વાહનચાલકોને છૂટકારો મળે માટે મુંબઈ મહાનગરપાલિકા વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના મહત્ત્વના જંકશનો પર એક્સેસ રોડ બનાવવાની છે. પહેલાં તબક્કામાં અંડરગ્રાઉન્ડ ટનલ, સબ-વે અને હોરિઝોન્ટલ રસ્તો બનશે. હાલ પાલિકાએ ચાર મહત્ત્વના જંકશનો ઓળખી કાઢ્યા છે, તે માટે બહુ જલદી ટેન્ડર બહાર પાડવાની છે. પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ ૮૦૦ કરોડ રૂપિયા સુધીનો છે.
વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પીક અવર્સમાં ભારે ટ્રાફિક રહેતો હોય છે. સિગ્નલ ખુલવાની રાહ જોવામાં વાહનોની લાંબી લાઈનો લાગતી હોય છે. તેથી એક્સપ્રેસ હાઈવે પર આવેલા મુખ્ય જંકશનો પર આ ભારે ટ્રાફિકની સમસ્યાથી રાહત મળે, સિગ્નલ ખૂલવાની રાહ જોવામાંથી છૂટકારો મળે અને ટ્રાફિક મૂવમેન્ટ સરળતાથી તે માટે આ પ્રોજેકટ પાલિકા હાથ ધરવાની છે.
પ્રાથમિક તબક્કામાં પાલિકાએ મહત્ત્વના ત્રણ જંકશનો ઓળખી કાઢ્યા છે, જેમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મિલન સબ-વે, વિલે પાર્લેમાં મારુતી મંદિર રોડ, બોરીવલીમાં સુધીર ફડકે ફ્લાયઓવરનો સમાવેશ થાય છે. તો ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને જોડતા બાંદ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ (બીકેસી)નો સમાવેશ થાય છે. મહત્ત્વના જંકશનો પર સિગ્નલને કારણે ટ્રાફિક અટકી જતો હોય છે. તેથી પાલિકા પ્રોજેક્ટ હેઠળ હેવી જંકશનો પર ટ્રાફિકની મુવમેન્ટ સતત થઈ રહે તે માટે ભીડભાડવાળા જંકશને કટ એન્ડ કવર ટનલ અથવા તો અંડરગ્રાઉન્ડ લૂપ (ટનલ) બનાવશે.
પાલિકાના એડિશન કમિશનર પી.વેલરાસુના જણાવ્યા મુજબ અગાઉ પાલિકાએ નવ ગીચ જંકશનો ઓળખી કાઢ્યા હતા, જેમાં પાંચ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને ત્રણ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના જંકશનનો સમાવેશ થાય છે. હાલ પાલિકા ચાર જંકશન પર કામ કરી રહી છે. બીજા તબક્કામાં જટિલ જંકશન પર કામ કરવામાં આવશે.
અન્ય પાંચ જંકશનમાં જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડ, પવઈ જંકશન, ઘાટકોપર જંકશન, છેડા નગર જંકશનનો મસમાવેશ થાય છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત આશરે ૨,૯૦૦ કરોડ રૂપિયા છે.ઉ