વીક એન્ડ

કોમ્પેક્ટ આવાસ

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

વિશ્ર્વમાં વસ્તી વધતી રહી છે. પૃથ્વીનું ક્ષેત્રફળ મર્યાદિત જ રહેશે. બાંધકામની સામગ્રીમાં પણ અછત ઊભી થઈ રહી છે. ઘણાં સપનાઓ પૂરાં કરવાનાં છે. ઘણા લોકોનાં સપનાઓ પૂરાં કરવાનાં છે અને હાથ લગભગ બંધાયેલા છે.

સારી વાત એ છે કે ઈચ્છાઓ હવે સ્પષ્ટ થતી જાય છે અને તે ચોક્કસ સમય મર્યાદા પૂરતી જ હાવી રહે છે. સાથે સાથે વ્યક્તિ બાંધછોડ કરવા પણ તૈયાર છે. બીજી વિશેષ વાત એ છે કે હવે ઈચ્છાઓનો અગ્રતાક્રમ સુનિશ્ર્ચિત છે. મર્યાદિત સંપન્નતામાં અમર્યાદિત આકાંક્ષાઓ નથી રખાતી. હકીકત સ્વીકારીને જિંદગીના નિર્ણયો લેવાય છે. આ જ કારણસર ‘કોમ્પેક્ટ આવાસ’નું ચલણ વધતું જાય છે.

સુવાના સ્થાનને કબાટની ઉપર ગોઠવી શકાય. પલંગને થોડો ઉપર ગોઠવી તેની નીચેના સ્થાનનો અભ્યાસ જેવી પ્રવૃત્તિ માટે – કે જ્યાં વધુ ઊંચાઈની જરૂર નથી – અસરકારક ઉપયોગ થઈ શકે. સાથે સાથે કબાટનો ઉપયોગ દીવાલ તરીકે કરી દીવાલ માટેની જગ્યા બચાવી શકાય. આવાસની આડાશ દીવાલ – પાર્ટીશન વોલ એવી બનાવી શકાય કે જેને જરૂરિયાત પ્રમાણે ખસેડી શકાય. જો ઉપરની જગ્યાનો અસરકારક ઉપયોગ કરવાનો હોય તો ત્યાં પહોંચવાની નિસરણીની નીચેની જગ્યાનો સ્ટોરેજ તરીકે ઉપયોગ થઈ શકે અથવા આવી નિસરણી સરકી જાય તેવી પણ બનાવી શકાય. રાચરચીલું પણ જરૂરિયાત જણાય તો ખસેડી શકાય તેવું ઓછા વજનવાળું બનાવવું જોઈએ. એકબીજાની અંદર સરકી જાય તે પ્રકારનું રાચરચીલું વિચારવું પડે. ફોલ્ડ કરીને બાજુમાં મૂકી શકાય તેવી રચના પણ ઉપયોગી થઈ રહે. હવે તો ઘણા એવા ફોલ્ડીંગ- સ્લાઈડીંગ ફર્નિચર તૈયાર મળતા હોય છે કે તેનો ઉપયોગ કરવાથી આવાસના આંતરિક સ્થાનની ઉપયોગીતા વધી શકે – અને કોમ્પેક્ટ આવાસમાં પણ ઈચ્છા પ્રમાણેની સવલતોનો સમાવેશ થઈ શકે.

રાચરચીલું પણ કોમ્પેક્ટ અને બહુ ઉપયોગી બનાવી શકાય. રંગનો અસરકારક ઉપયોગ કરી જગ્યા કોમ્પેક્ટ હોવા છતાં તેની અનુભૂતિ વિસ્તૃતતા વાળી હોઈ શકે. કાચનો ઉપયોગ વધારવાથી પણ જગ્યા મોટી લાગી શકે. કોમ્પેક્ટ રચનાને કારણે જો જોવી ન ગમે તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય તો ત્યાં ઘાટા રંગ કરી તેને દૃષ્ટિથી ઢાંકી શકાય. મજા માટેના એક વધારાનું સ્થાન નિર્ધારિત કરવા, સામાન્ય સંજોગોમાં નડે નહીં તે રીતે, સુવાનો ઝૂલો લટકાવી શકાય. ઊભાઊભા કરવાની પ્રવૃત્તિ માટેના રાચરચીલાના નીચેના ભાગનો પણ અસરકારક ઉપયોગ ઇચ્છનીય ગણાય.

એક એક ખૂણાનો ઉપયોગ કરવો પડે. એક એક સપાટી પાસેથી કામ લેવું પડે. જ્યાં દીવાલ સાથે કાર્યહેતુ જોડાય શકે તેમ હોય ત્યાં વચ્ચેનું સ્થાન ખુલ્લું રાખવું પડે. હળવાશ ઊભી કરવા રાચરચીલાની રચનામાં સાદગી તથા સ્પષ્ટતા હોવી જોઈએ. વળી આ રચના દળદાર પણ બનાવવી જોઈએ. બિનજરૂરી વિગતિકરણ ન કરવું જોઈએ. ન્યૂનતમતાવાદી અભિગમ અપનાવો પડે. દરેક પરિસ્થિતિની કિંમત સમજવી પડે કે શું મળશે અને તેની સામે શું ચૂકવવું પડશે. સમગ્ર રચનાની, એક રીતે કહીએ તો બેલેન્સ શીટ બનાવવી પડે, જેનાથી ખબર પડે કે લીધેલા નિર્ણયો યોગ્ય વળતર આપશે કે નહીં. જ્યાં સંપન્નતા મર્યાદિત હોય ત્યાં પ્રાપ્ય સામગ્રીનો – પ્રાપ્ય વિસ્તારનો અસરકારક ઉપયોગ થવો જોઈએ. અહીં એમ નથી કહેવાનું કે ઉપયોગમાં કરકસર કરવાની. પરંતુ જે કંઈ સ્થિતિ છે તેમાંથી મહત્તમ પરિણામ લાવવા માટે સ્થપતિએ – ઇન્ટિરિયર ડિઝાઇનરે પ્રયત્ન કરવો પડે.

પ્રશ્ર્ન એક છે અને સંભાવનાઓ ઘણી છે. નાના વિસ્તારમાં મૂળભૂત બધી જ જરૂરિયાતોનો સમાવેશ થાય તે તો ન્યૂનતમ અપેક્ષા છે. જરૂરી એ છે કે વ્યક્તિને માનસિક ધોરણે પણ સંતોષની અનુભૂતિ થવી જોઈએ. વ્યક્તિ પોતાના આવાસ માટે ગૌરવ અનુભવે તે જરૂરી છે. તેને એમ ન લાગવું જોઈએ કે આવાં સ્થાને મારે મજબૂરીમાં રહેવું પડે છે. આપણને પેટ ભરાય તે પ્રમાણે ખોરાક મળી જાય તે પૂરતું નથી, સ્વાદ પણ જરૂરી છે – આપણાં સપનાં મુજબનો સ્વાદ અને આપણાં સપનાં મુજબની વાની. તેવી જ રીતે અહીં પણ વ્યક્તિની જરૂરિયાતો સંતોષાઈ જાય એ પૂરતું નથી, રચના તેના સ્વાદ મુજબની અને તેને મનોવૈજ્ઞાનિક સંતોષ આપે તેવી હોવી જોઈએ. વ્યક્તિ-વ્યક્તિએ સંતોષ આપનાર પરિમાણો બદલાઈ શકે. મૂળભૂત બાબત કદાચ જેમની તેમ રહે, પણ એક વ્યક્તિને અમુક પરિસ્થિતિ ખુશ કરી શકે તો અન્યને ખુશી માટે સાવ જુદા પ્રકારની પરિસ્થિતિની પણ ઈચ્છા હોઈ શકે. એટલે જ કીધું કે સંભાવનાઓ ઘણી છે, પણ પ્રશ્ન જે તે વ્યક્તિત્વને હકારાત્મક પ્રતિભાવ આપતી રચના કરવાનો છે.

આવાસ એ વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. સગવડતા તો સચવાવી જ જોઈએ, પણ સાથે સાથે વ્યક્તિત્વને નિખાર પણ મળવો જોઈએ. આની માટે બહારના દેખાવની રચના પર જ ધ્યાન કેન્દ્રિત કરવું તે યોગ્ય નથી, આંતરિક સુશોભનને પણ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં નિર્ધારિત કરવું જોઈએ. બની શકે કે બાહ્ય દેખાવ તો અન્ય પરિસ્થિતિને આધીન હોય, તેવા સંજોગોમાં આવાસની અંદરની રચના વધુ મહત્ત્વની બની રહે.

કપડાં ટૂંકા ન પહેરાય. સાંપ્રત સમયમાં વિવિધ પ્રકારના ગેજેટ પણ જરૂરી જ છે, સમાજ હવે આઈ. ટી. આધારે ચાલે છે. તેમાં કટોતિ કરવી યોગ્ય નથી. હા, તેના ખર્ચમાં થોડોક સંયમ રાખી શકાય. ખોરાક ઓછો ખાવો તે પણ ઇચ્છનીય નથી. મર્યાદિત સંપન્નતામાં જો સૌથી વધુ પડકારયુક્ત પરિસ્થિતિ હોય તો તે છે આવાસનું અસરકારક – કોમ્પેક્ટ – આંતરિક નિર્ધારણ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button