આપણું ગુજરાત

વડોદરાની બોટ દુર્ઘટના: ૧૪ મૃતકોનાં એકસાથે સ્મશાનમાં અંતિમસંસ્કાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં બોટ પલટી જવાના કારણે ૧૨ માસૂમ બાળક અને ૨ શિક્ષક સહિત ૧૪ના મોતની ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધુ છે. મોતને ભેટેલા આ બાળકોની ક્યાંક અંતિમયાત્રા તો ક્યાંક જનાજો નિકળ્યો હતો અને સ્મશાનમાં તેમ જ કબ્રસ્તાનમાં તેમની અંતિમ વિધિ થઈ હતી. તેમાં પણ શહેરના ખાસવાડી સ્મશાનમાં તો શિક્ષકા અને તેમની શિષ્યાના મૃતદેહને એક સાથે અગ્નિદાહ અપાયો તો હાજર રહેલા લોકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. શિક્ષિકા અને તેમની વિદ્યાર્થિનીનો સ્કૂલની જગ્યાએ સ્મશાનમાં મેળાપ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના હરણીના લેકઝોન ખાતે ગુરૂવારે વાઘોડિયા રોડ પરની ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પિકનિક માટે ગયો હતો અને બોટ ચલાવનાર તેમ જ લેક ઝોનના સંચાલકોએ ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડતા બોટ પલટી ખાઈ ગઈ હતી જે દુર્ઘટનામાં મોતને ભેટનારાઓમાં બીજા ધોરણમાં ભણતી અને આજવા રોડ પર પ્રતિભા સોસાયટીમાં રહેતી નેન્સી માછી તેમ જ આજવા રોડ પર નવજીવન સોસાયટીમાં રહેતા શિક્ષિકા ફાલ્ગુનીબેન પટેલનો સમાવેશ થતો હતો. શુક્રવારે તેમની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાનેથી નિકળી હતી અને યોગાનુયોગ એક સાથે કારેલીબાગના ખાસવાડી સ્મશાને પહોંચી હતી, જ્યાં શિક્ષિકા અને તેમની વિદ્યાર્થિનીના નશ્ર્વર દેહના એકબીજાની આજુબાજુમાં જ અંતિમસંસ્કાર થતા કરુણ દૃશ્ય સર્જાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button