ભારતીય મહિલા હૉકી ટીમનું પૅરિસ ઑલિમ્પિક્સમાં રમવાનું સપનું ચકનાચૂર
રાંચી: ભારતીય મહિલા હૉકી ટીમ શુક્રવારે જાપાન સામે 0-1થી હારી જતાં આ વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થવાનો મોકો ચૂકી ગઈ હતી.
ક્વૉલિફાઇંગ ટૂર્નામેન્ટમાં ભારત અને જાપાન વચ્ચે ત્રીજા સ્થાન માટે આ મૅચ રમાઈ હતી જેમાં જાપાનની કાના ઉરાતાએ છઠ્ઠી જ મિનિટમાં પેનલ્ટી કૉર્નરમાં ગોલ કરીને જાપાનને 1-0થી સરસાઈ અપાવી હતી. ત્યાર પછી જાપાનની ટીમ ભારતીય પ્લેયરોની મજબૂત સંરક્ષણ દીવાલને કારણે વધુ ગોલ નહોતી કરી શકી, પરંતુ ભારતીય ફૉર્વર્ડ પ્લેયર્સ પણ નબળી પુરવાર થઈ હતી અને ભારત વતી એક પણ ગોલ નહોતો થઈ શક્યો.
જર્મની અને અમેરિકા આ ક્વૉલિફાઇંગ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી હોવાથી ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થઈ ગઈ હતી, જ્યારે ભારત સામેના વિજયથી જાપાનની ટીમે પણ ઑલિમ્પિક ગેમ્સમાં સ્થાન મેળવી લીધું હતું.
જાપાન સામેની મૅચમાં એકંદરે ભારતીય ટીમનું વર્ચસ હતું અને 9 પેનલ્ટી કૉર્નર ભારતને મળ્યા હતા, પરંતુ એમાંથી એકેયમાં ભારતીય ખેલાડીઓ ગોલ કરવામાં સફળ નહોતી થઈ.