પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ખળભળાટ, એક નહીં ત્રણ કોચને રાજીનામું આપવાની ફરજ પાડી
કરાચી: પાકિસ્તાન ક્રિકેટમાં સમયાંતરે કોઈને કોઈ મુસીબત ઊભી થતી જ હોય છે અથવા કોઈ ડ્રામા બની જતો હોય છે. ભારતમાં નવેમ્બરમાં વર્લ્ડ કપ રમાયા પછી કૅપ્ટન બાબર આઝમે ત્રણેય ફૉર્મેટની કૅપ્ટન્સી છોડી દીધી હતી અને ત્યાર પછી સિલેક્ટરોને દરેક ફૉર્મેટ માટેની ટીમનો સુકાની નીમતા નાકે દમ આવી ગયો છે. શાન મસૂદના નેતૃત્વમાં પાકિસ્તાન ટેસ્ટમાં અને શાહીન શાહ આફ્રિદીના સુકાનમાં ટી-20માં હારી રહી છે. આટલી આપત્તિ જાણે પૂરતી ન હોય એમ શુક્રવારે સમાચાર મળ્યા હતા કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પૈસાનો મોટો બોજ ટાળવા ત્રણ વિદેશી કોચને રાજીનામા આપવાની આડકતરી રીતે ફરજ પાડી છે.
નવેમ્બર 2023 સુધી મિકી આર્થર, ગ્રાન્ટ બ્રૅડબર્ન અને ઍન્ડ્રયુ પુટિક કોઈને કોઈ રીતે પાકિસ્તાન ટીમ સાથે કોચિંગની જવાબદારી નિભાવતા હતા. જોકે વર્લ્ડ કપ પછી પાકિસ્તાન બોર્ડે નવો કોચિંગ સ્ટાફ નિયુક્ત કર્યો હતો ત્રણેય વિદેશી કોચને નૅશનલ ક્રિકેટ ઍકેડેમીમાં મોકલી દીધા હતા. ત્રણેયે પોતાની રીતે નિર્ણય લઈને પાકિસ્તાનમાંથી ચાલ્યા જવું કદાચ એવો સંકેત ત્રણેયને આપ્યો હતો. જો ત્રણેયને નોકરી પરથી દૂર કરવાનું પાકિસ્તાન બોર્ડે નક્કી કર્યું હોત તો તેમને છ મહિનાનો પગાર આપવો પડ્યો હોત, પરંતુ તેમને સમજાવી લઈને તેમના હાથે રાજીનામા આપી દેવા મજબૂર કરાયા હોવાનું મનાય છે.