વડોદરા દુર્ઘટના બાદ સફાળું જાગ્યું તંત્રઃ ઓખા-બેટદ્વારકામાં પ્રવાસીઓ માટે લાઇફ જેકેટ ફરજિયાત
બેટ દ્વારકા: વડોદરામાં થયેલી દુ:ખદ ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. હરણી લેકમાં બોટિંગની અણઘડ વ્યવસ્થા, લાઇફ જેકેટ સહિતની સુરક્ષાના સાધનોના અભાવના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થતા તીર્થસ્થળ બેટ દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસમાં પણ લાઇફ જેકેટ સિવાય વધારે પ્રવાસીઓને નહીં બેસાડવા સ્થાનિક તંત્રએ બોટ સંચાલકોને કડક સૂચના આપી છે.
જો કે ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસમાં હજુ પણ પૂરતા સેફ્ટીના સાધનો નથી. લાઇફ જેકેટ્સના અભાવે પ્રવાસીઓ જીવના જોખમે જ મુસાફરી કરતા હોય છે, ત્યારે બેટ દ્વારકા ફેરી બોટ એસોસિએશનના અધ્યક્ષ ફકીરાભાઇએ ખરાબ સ્થિતિમાં લાઇફ જેકેટ્સ હોવા અંગે એવું કારણ આપ્યું હતું કે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે વર્ષોથી ચાલતી ફેરી બોટ સર્વિસનું ભાડું તંત્ર દ્વારા વધારવામાં નથી આવ્યું.
ઓખાથી બેટ દ્વારકાના દરિયામાં લગભગ 100થી વધુ બોટ ચાલે છે ત્યારે વડોદરાની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આ ફેરી સર્વિસમાં લાઇફ જેકેટ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ અમુક મીડિયા અહેવાલોનું સાચું માનીએ તો અમરેલીના જાફરાબાદ ટાપુ પર જે ફેરી બોટ સર્વિસ દોડી રહી છે, તેમાં 30 જેટલી પેસેન્જર બોટ લાયસન્સ વગર દોડી રહી છે.
આ અંગે તંત્ર દ્વારા હજુ સુધી કોઇ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી, એવામાં વડોદરા જેવી જ કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તેવા સવાલો ઉભા થયા છે.