(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે આ ઐતિહાસિક પ્રસંગને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે 22 જાન્યુઆરીએ સાર્વજનિક રજા જાહેર કરી છે. અત્યારે આખા દેશમાં રામ મંદિરમાં થનારી પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારને ગૃહ ખાતા દ્વારા આપવામમાં આવેલા અધિકારોને પગલે 22 જાન્યુઆરીએ સાર્વજનિક રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે તેમની બધી જ કચેરીઓ, સંસ્થાનો અને ઔદ્યોગિક એકમો માટે આખા દેશમાં અડધો દિવસ જાહેર કર્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને અપીલ કરી છે કે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે દેશના દરેક મંદિરમાં આરતી અને પૂજા કરવામાં આવે અને આ દિવસે દીવડા પ્રગટાવીને દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવે.