સ્પોર્ટસ

મૅજિક વિનાનો મૅક્સવેલ: હતાશ હાલતમાં બિગ બૅશ ટીમની કૅપ્ટન્સી છોડી દીધી

મેલબર્ન: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં જેમ વિરાટ કોહલીને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ના બૅટર તરીકે અપ્રતિમ સફળતા મળવા છતાં ક્યારેય ટ્રોફી તેના નસીબમાં નથી આવી એવું ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગમાં પીઢ ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ સાથે બન્યું છે.

તે 2012-’13માં મેલબર્ન રેનેગેડ્સ ટીમમાં હતો, પણ ત્યાર પછી મેલબર્ન સ્ટાર્સ વતી જ રમ્યો છે અને દુર્ભાગ્યવશ મેલબર્ન સ્ટાર્સ ટીમ ક્યારેય બિગ બૅશનું ટાઇટલ નથી જીતી શકી. આ વખતે ફરી એકવાર આ ટીમ ટાઇટલથી ખૂબ દૂર રહી જતાં મૅક્સવેલે આ ટીમની કૅપ્ટન્સી છોડી દીધી છે. તેની ટીમ છેક છઠ્ઠા સ્થાને રહી છે.

35 વર્ષના મૅક્સવેલે મેલબર્ન સ્ટાર્સ સાથે જે કૉન્ટ્રૅક્ટ કર્યો છે એમાં હજી બે વર્ષ બાકી હોવાથી પ્લેયર તરીકે તે રમતો રહેશે. આ વખતની સીઝનમાં તેણે 173.57ના અફલાતૂન સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 243 રન બનાવ્યા છે અને સાત વિકેટ લીધી છે. આઇપીએલમાં જેમ આરસીબીને રનર-અપ થવા મળ્યું છે એમ મેલબર્ન સ્ટાર્સને પણ ત્રણ વાર ફાઇનલિસ્ટ બનવાનો મોકો મળ્યો છે, પરંતુ ક્યારેય ટ્રોફી તેમના હાથમાં નથી આવી.

મૅક્સવેલને આઇપીએલ બેહદ પ્રિય છે. તેણે તાજેતરમાં જ કહ્યું હતું, ‘હું ચાલી શકીશ ત્યાં સુધી આઇપીએલમાં રમવાનું નહીં છોડું. બીજી રીતે કહું તો મારી કરીઅરમાં આઇપીએલ છેલ્લી ટુર્નામેન્ટ હશે. મને આ ભારતીય ટૂર્નામેન્ટે ઘણું આપ્યું છે. એમાં રમીને હું મોટા-મોટા અને ટૅલન્ટેડ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમી શક્યો છું, નવા-નવા કોચના હાથ નીચે રમી શક્યો છું અને બીજા ઘણા લોકોને મળી શક્યો છું.’

મૅક્સવેલને આરસીબીએ 2022માં 11 કરોડ રૂપિયાના ભાવે રિટેન કર્યો હતો અને ત્યાર પછી 2023માં તેમ જ આ વખતે પણ ટીમમાં જાળવી રાખ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button