ભારતને ‘અમૃત કાળ’ કરતા ‘શિક્ષા કાળ’ની વધારે જરૂર: ખડગે

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દેશમાં શિક્ષણની સ્થિતિ મુદ્દે શુક્રવારે મોદી સરકાર પર નિશાન સાધતા નિવેદન આપ્યું હતું કે ભારતને ‘અમૃત કાળ’ કરતા ‘શિક્ષા કાળ’ની વધારે જરૂર છે. ખડગેએ દેશમાં શિક્ષણની સ્થિતિનો જે વાર્ષિક અહેવાલ હાલમાં જ રજૂ થયો છે, તેને લઇને આ વાત કહી હતી.
ખડગેએ કહ્યું હતું કે, ‘ગ્રામ્ય ભારતમાં 14થી 18 વર્ષના 56.7 ટકા વિદ્યાર્થીઓ ત્રીજા ધોરણનાા ગણિતના દાખલા ઉકેલી શકતા નથી. આ વયજૂથના 26.5 ટકા વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં બીજા ધોરણના પુસ્તકોનું લખાણ પણ વાચી શકતા નથી.’
17થી 18 વર્ષની ઉંમરના કુલ 25 ટકા યુવાનોએ ‘શિક્ષણમાં અરૂચિ’ને કારણે શાળાકીય અભ્યાસ છોડી દીધો છે. ખડગેએ 35 સેંકડનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે ભાજપ યુવાનોનું ભવિષ્ય બગાડી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
તાજેતરમાં જ દેશમાં શિક્ષણની સ્થિતિ અંગે ASER અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં કહેવાયું છે કે ગ્રામ્ય સ્તરે શિક્ષણની સ્થિતિ ખૂબ જ કથળી રહી છે. RTE જેવા કાયદા હોવા છતાં પણ બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. તો બીજી બાજુ પ્રાથમિક શિક્ષણ મેળવી લીધા બાદ વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો પણ સતત વધી રહ્યો છે.