સ્પોર્ટસ

નજર હટી, દુર્ઘટના ઘટી: નવા કૅરિબિયન બોલરના બાઉન્સરમાં ખ્વાજાને જડબામાં ઈજા

ઍડિલેઇડ: ઑસ્ટ્રેલિયાએ અહીં સવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં 10 વિકેટના માર્જિનથી મોટી જીત માણી હતી, પણ એ પહેલાં એના ઓપનિંગ બૅટર ઉસમાન ખ્વાજા મોટી ઘાતથી બચી ગયો હતો.

યજમાન ટીમને જીતવા ફક્ત 26 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને એ મેળવવામાં એક જ રન ખૂટતો હતો ત્યારે ખ્વાજા કરીઅરની પહેલી જ ટેસ્ટ રમી રહેલા કૅરિબિયન ફાસ્ટ બોલર શમર જોસેફના કાતિલ બાઉન્સરનો શિકાર થયો હતો. ખ્વાજા એ શૉર્ટ બૉલ બાઉન્સરથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જીવલેણ થઈ શક્યો હોત એવા એ બૉલ પરથી ખ્વાજાની નજર હટી ત્યારે બૉલ તેની છાતી પરથી ઘસાઈને હેલ્મેટની ગ્રિલને વાગ્યો હતો.

ખ્વાજાને જડબા પર જમણા ભાગમાં ઈજા થઈ હતી. પ્રાથમિક તપાસમાં ખ્વાજા કંકશન (માથાની ગંભીર ઈજા)થી તેમ જ જડબાના ફ્રૅક્ચરથી બચી ગયો હતો. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે પણ પુષ્ટિ આપતા જણાવ્યું હતું કે ડ્રેસિંગ-રૂમમાં ખ્વાજાની પહેલી મેડિકલ ટેસ્ટ લેવાઈ એમાં તેના જડબાને કોઈ મોટું નુકસાન નહોવાનું જણાયું હતું. જોકે તેના જડબાનું બીજી વાર સ્કૅન કરાવવામાં આવશે.

ખ્વાજાએ નવ રનના પોતાના સ્કોર પર રિટાયર્ડ હર્ટ તરીકે મેદાન પરથી વિદાય લીધી ત્યાર પછી માર્નસ લાબુશેન ક્રીઝ પર આવ્યો હતો અને એક ડૉટ બૉલ પછીના બૉલમાં શૉટ ફટકારીને વિનિંગ રન બનાવી લીધો હતો. ઓપનિંગ બૅટર તરીકે પહેલી જ ટેસ્ટ રમનાર સ્ટીવ સ્મિથ 11 રને અણનમ રહ્યો હતો અને ઑસ્ટ્રેલિયાએ 26/0ના સ્કોર સાથે મૅચ જીતીને સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી.

ખ્વાજા હવે પચીસમી જાન્યુઆરીએ બ્રિસ્બેનમાં શરૂ થનારી બીજી ટેસ્ટમાં રમશે કે નહીં એનો નિર્ણય હવે પછી લેવાશે. કૅપ્ટન પૅટ કમિન્સે મૅચ પછી ખ્વાજા સાથે થોડી વાતચીત કરી હતી. કમિન્સે પત્રકારોને કહ્યું, ‘ખ્વાજાને જડબા પર થોડું વાગ્યું છે, પણ ચિંતા જેવું કંઈ નથી એવું તેના કહેવા પરથી મને લાગ્યું છે.શુક્રવાર સવારની આ ઘટના પહેલાં એક એવું ડેવલપમેન્ટ થયું જેની સીધી અસર ખ્વાજાની ઈજા પછીની સ્થિતિને થઈ હતી.

કાંગારૂઓની સ્ક્વૉડમાં બૅટર મૅટ રેન્શો પણ હતો, પરંતુ તેને ગુરુવારે રાત્રે બિગ બૅશ લીગમાં રમવાની છૂટ મળતાં તે તરત જ ગોલ્ડ કોસ્ટ જવા રવાના થઈ ગયો હતો. એનો અર્થ એ થયો કે ખ્વાજાને ઈજા થઈ ત્યારે કંકશન સબસ્ટિટ્યૂટ તરીકે ઑસ્ટ્રેલિયન ટીમ પાસે રિઝર્વમાં એક પણ બૅટર નહોતો. કંકશનનો શિકાર થનાર પ્લેયરના સબસ્ટિટ્યૂટને ટીમમાં સમાવવાની પ્રથા શરૂ થઈ ત્યાર પછી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં આવું પહેલી જ વાર બન્યું. નસીબજોગે, ઑસ્ટ્રેલિયાને જીતવા 26 રનનો નજીવો લક્ષ્યાંક મળ્યો હતો એટલે રિઝર્વ બૅટરની જરૂર નહોતી પડી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button