નેશનલ

Ram Mandir પર ઐતિહાસિક ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોને 22 જાન્યુઆરીએ આપ્યું ખાસ આમંત્રણ…

અયોધ્યા: અયોધ્યાના રામ મંદિરમાં 22મીએ ભગવાન શ્રી રામના અભિષેકનો કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રભુ રામના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ પધારશે. તેમાં પણ ખાસ આમંત્રિત કરાયેલા મહેમાનો પણ પધારશે. ત્યારે આવા સમયે પ્રભુ રામના જન્મ સ્થળ વિશે ઐતિહાસિક ચુકાદો આપનાર ન્યાયાધીશો ને કેવી રીતે ભૂલી શકાય. રામ મંદિર ટ્રસ્ટે રામ મંદિર પર ઐતિહાસિક ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના પાંચ જજોને રામ મંદિર ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે ખાસ આમંત્રણ મોકલ્યું છે.

રામ જન્મભૂમિ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના પાંચ જજોને 22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક સમારોહ માટે ખાસ રાજ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આમંત્રિતોમાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશો, ન્યાયાધીશો અને ટોચના વકીલો સહિત 50 થી વધુ ન્યાયશાસ્ત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


પાંચ જજોમાં ભૂતપૂર્વ CJI રંજન ગોગોઈ, ભૂતપૂર્વ CJI શરદ અરવિંદ બોબડે, CJI ડીવાય ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ અબ્દુલ નઝીરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આમંત્રિતોમાં સોલિસિટર જનરલ તુષાર મહેતા અને પૂર્વ એટર્ની જનરલ કેકે વેણુગોપાલના નામ પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


નોંધનીય છે કે રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર અંતિમ ચુકાદો 9 નવેમ્બર 2019ના રોજ આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે 2.77 એકરની વિવાદિત જમીન રામ લલ્લાનું જન્મસ્થળ છે. અને કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે આ જમીન મંદિરને જ મળવી જોઈએ અને તેના બદલામાં કોર્ટે સરકારને ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને અલગથી 5 એકર જમીન આપવા પણ કહ્યું હતું જેથી બોર્ડ મસ્જિદ બનાવી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button