ભારત અને માલદીવના વણસેલા સંબંધો વચ્ચે વિદેશ પ્રધાનોની યોજાઈ ખાસ બેઠક, જાણો શું થયું?
કંપાલા: ભારત અને માલદીવ વચ્ચે અત્યારે તણાવ ચાલી રહ્યો છે ત્યારે 18 જાન્યુઆરીના રોજ વિદેશ પ્રધાન એસ જયશંકરે યુગાન્ડાની રાજધાની કંપાલામાં માલદીવના વિદેશ પ્રધાન મૌસા જામીર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે પરસ્પરના સંબંધો અને ભારતીય સૈનિકોને પરત લાવાવના મુદ્દા પર ચર્ચા થઈ હતી.
વિદેશ પ્રધાન એસ જયશંકરે 18 જાન્યુઆરીના રોજ ઇજિપ્ત, માલદીવ્સ, અંગોલા અને બેલારુસના તેમના સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી, જે દરમિયાન તેમણે પરસ્પર હિતના મુદ્દાઓ અને સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી. નોંધનીય છે કે જયશંકર 19 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા ગુટ નિરપેક્ષની બે દિવસીય સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા કંપાલામાં છે. તે દરમિયાન તેમણે માલદીવના વિદેશ પ્રધાન મુસા ઝમીર સાથે દ્વિપક્ષીય સંબંધો પર ‘નિખાલસ વાતચીત’ કરી હતી. જેમાં તેમણે માલદીવમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટો, સાર્ક અને અલાઈન્ડ મુવમેન્ટ (NAM)માં બંને દેશોની ભાગીદારી અંગે પણ ચર્ચા કરી હતી.
મીટિંગનો ફોટો શેર કરતા વિદેશ પ્રધાન જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે આજે કંપાલામાં માલદીવના વિદેશ પ્રધાન મુસા ઝમીર સાથે મુલાકાત કરી. જેમાં ભારત-માલદીવ સંબંધો પર નિખાલસ ચર્ચા થઈ. NAM સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે ઇજિપ્તના વિદેશ પ્રધાન સમેહ શૌકરી સાથે પણ મુલાકાત કરી અને ‘ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ અંગે તેમના અભિપ્રાયો અને તેમને કરેલી કાર્યવાહીની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણએ પોતાની પોસ્ટમાં અંગોલાના વિદેશ પ્રધાન ટેટે એન્ટોનિયો સાથે કરેલી મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓએ ભારત-અંગોલા અને ભારત-આફ્રિકા સહયોગના વિસ્તરણ અંગે ચર્ચા કરી હતી.
બેઠક બાદ માલદીવના વિદેશ પ્રધાને પણ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે અમે અમારા સંબંધોને મજબૂત કરવા અને તેને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છીએ. નોંધનીય છે કે ગયા રવિવારે માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુએ ભારતને ટાપુ પર તહેનાત તમામ સૈનિકોને ભારત પરત બોલાવવાનું કહ્યું હતું. આ સંદર્ભે, બંને પક્ષોએ માલેમાં ઉચ્ચ સ્તરીય કોર જૂથની પ્રથમ બેઠક યોજી હતી, જેમાં મુખ્યત્વે વિવાદાસ્પદ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેની આગામી બેઠક આગામી મહિનાની શરૂઆતમાં નવી દિલ્હીમાં યોજાવાની છે.
માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુએ અગાઉ ભારતીય સૈનિકોને 15 માર્ચ સુધીમાં દેશ છોડી દેવા માટે કહ્યું છે. માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ અનુસાર હાલમાં 77 ભારતીય ભારતીય સૈનિકો તહેનાત છે, જેમણે 15 માર્ચ સુધીમાં દેશ છોડવો પડશે. પરંતુ વિદેશ પ્રધાન જયશંકરે આ વિશે કંઈ જ જણાવ્યું નહોતું.