મેટિની

શીર્ષક ગાથા: નામ મેં ક્યા રખા હે? ફિલ્મ્સના વિષય કરતાં સાવ અલગ શીર્ષક આપવાના મજેદાર પ્રયોગ

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

કોઈ પણ ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે દર્શકો ઘણી બધી ચીજો દ્વારા એ ફિલ્મ જોવી કે નહીં એ નક્કી કરતા હોય છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટ, વાર્તા ટ્રેલર, ડિરેક્ટર, વગેરે એમ અનેક વસ્તુઓની ચકાસણી કર્યા પછી એમને ફિલ્મ જોવા જેવી લાગે તો થિયેટરમાં કે પછી ઓટીટી પર જોતા હોય છે.

આ બાબત ફિલ્મ ઉપરાંત વેબ શોઝ, ટીવી સિરિયલ્સ અને એન્ટરટેઇન્મેન્ટ સાથે જોડાયેલા દરેક કોન્ટેન્ટ માટે લાગુ પડે છે. દર્શકો સમક્ષ આ બધી જ ચીજો રાખવા માટે પ્રોડક્શન સ્ટુડિયોઝ તેનું પ્રમોશન કરતા હોય છે એમાંની વધુ એક ચીજ એટલે ફિલ્મનું શીર્ષક…
દર્શકોને આકર્ષવામાં કે એમને દૂર રાખવામાં ફિલ્મ કે શોનું શીર્ષક કેટલું પ્રભાવી અને રસપ્રદ છે એ પણ મહત્ત્વનું છે..

ફિલ્મમેકર્સ શીર્ષક મોટાભાગે ફિલ્મના વિષયને આધારિત રાખતા હોય છે, જેથી દર્શક્ને વાર્તા વિશે સીધો સંદેશ મળે ને એ ફિલ્મ જોવા પ્રેરાય. જો કે,આ વાત દરેક કિસ્સામાં લાગુ નથી પડતી. કેટલાક અતરંગી મેકર્સ ફિલ્મની કથાવસ્તુથી સાવ ભિન્ન જ શીર્ષક પણ રાખતા હોય છે. દર્શકો ફિલ્મનું શીર્ષક જુએ અને પછી તેના ટ્રેલર કે પ્રોમો જુએ ત્યારે એમને સમજાય કે શીર્ષક અને ફિલ્મના વિષયમાં તો મોટો ફેર છે. અહીં મેકર્સનો આશય દર્શકોને ગૂંચવવા કરતાં વધુ તો એમને સ્માર્ટ સરપ્રાઈઝ આપવાનો હોય છે. કોઈ મજેદાર એક્શન ફિલ્મ માટે પણ હલકું-ફૂલકું નામ રાખીને દર્શકોને સુખદ આંચકો આપવા માટે મેકર્સ આવું કરે છે.

૨૦૧૫માં આવેલી નીરજ પાંડે દિગ્દર્શિત અને અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ‘બેબી’ આ પ્રકારનું એક ઉત્તમ ઉદાહરણ છે.

ફિલ્મનું શીર્ષક ‘બેબી’ હોવાથી સૌ પ્રથમ તો એવું લાગે કે આ કોઈ બાળકની વાર્તા હશે- કોમેડી ફિલ્મ હશે. પણ જેમણે ફિલ્મ જોઈ હશે એમને ખબર જ હશે કે એ ફિલ્મ તો હતી સ્પાય એજન્ટની એક્શન ફિલ્મ… ફિલ્મમાં ‘બેબી’ શબ્દનો ઉપયોગ એક ઓપરેશન માટે થાય છે , જેના પરથી આ શીર્ષક યોજવામાં આવ્યું હતું.

જો કે ઓપરેશનનું નામ કોઈ બીજા ગંભીર શબ્દ પરથી પણ રાખી શકાત, પણ દિગ્દર્શક નીરજ પાંડેએ ‘બેબી’ શબ્દ રાખીને દર્શકોની જિજ્ઞાસા અને અપેક્ષા મજબૂત કરી.

ફિલ્મની રિલીઝ પહેલા અક્ષય કુમારે ખુદે કહ્યું હતું કે મેં જયારે પહેલી વખત સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે મને પણ ફિલ્મનું શીર્ષક સાંભળીને આશ્ર્ચર્ય થયું હતું.’

નીરજ પાંડેએ એના એક વેબ- શો સાથે પણ આમ જ કર્યું છે. ગયા વર્ષે જેની પહેલી સિઝન રિલીઝ થઈ અને બીજી સીઝન હમણાં જ રિલીઝ થઈ છે અને નીરજ પાંડેની જેમાં ક્રિએટર તરીકે ક્રેડિટ છે એવા ‘ડિઝની પ્લસ હોટસ્ટાર’ના શો ધ ફ્રીલાન્સર’ સાથે પણ આ જ વાત જોડાયેલી છે. શોનું નામ સાંભળતા જ સૌને લાગે કે આ શો તો અલગ-અલગ કંપનીઝ સાથે પ્રોજેક્ટ પર જોડાઈને ફ્રીલાન્સિંગ કામ કરતી વ્યક્તિ પર હશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે દર્શકોને સમજાયું કે આ તો ફરી વખત એક એજન્ટની જ સ્ટોરી છે કે જે પણ પ્રોજેક્ટ પર કામ કરે છે એ ફ્રીલાન્સર તરીકે કામ કરે છે પણ કોઈ કોર્પોરેટ જોબ વર્ક નહીં, પણ એક સ્પાય મિશન પર છે.

છેલ્લા ઘણા સમયથી ‘એસ્પિરન્ટસ’ – ‘ક્યુબિકલ્સ’ જેવી એજ્યુકેશનલ અને જોબ્સને લગતી ઘણી વેબ સિરીઝ આમ પણ આવી જ રહી છે.

આમ દર્શકોને પહેલા થોડાક ગેરમાર્ગે દોરીને એમને એક સ્માર્ટ શીર્ષક આપવામાં આવે તો પણ ફિલ્મ કે શોને જોવાની એમની અપેક્ષા વધતી હોય છે.

નીરજ પાંડેના નક્શેકદમ પર જ બીજી એક દિગ્દર્શક જોડીએ પણ દર્શકોને ફિલ્મના વિષયથી વિરુદ્ધ શીર્ષક આપવાનું કામ કર્યું છે. એ જોડી એટલે રાજ એન્ડ ડીકે. એમના અતિ પ્રચલિત શો ‘ધ ફેમિલી મેન’ વિશે તો સૌ જાણતા જ હશો. આ શો પણ એક એજન્ટની જ સ્ટોરી પર આધારિત છે. ‘ધ ફેમિલી મેન’ જેવું શીર્ષક સાંભળતા જ કોઈને પણ થાય કે સ્વાભાવિક રીતે જ આ એક પારિવારિક પુરુષની વાર્તા હશે, અને એક ફેમિલી ડ્રામા હશે, પણ એવું નથી. જો કે કોઈ પણ ફિલ્મ કે શોમાં એજન્ટના પરિવાર સાથે એના કામના કારણે થતા સંઘર્ષની વાત હોય છે, પણ અહીં એ ભાગ વધુ મહત્ત્વનો છે.
શોના શીર્ષક વિશે વાત કરતા દિગ્દર્શક જોડી રાજ એન્ડ ડીકેએ કહ્યું હતું કે અમે જાણીજોઈને જ આ શીર્ષક પસંદ કર્યું છે.

અમે નામ ‘એજન્ટ શ્રીકાંત’ પણ રાખી શકતા હતા, પણ શ્રીકાંત અને એનો પરિવાર અને દેશની સુરક્ષા એમ બંને મોરચે સંઘર્ષ કરે છે એ માટે અમે આ શીર્ષક રાખ્યું.’
શોના પોસ્ટર્સ તમે જોશો તો તેમાં પણ આ વાત દેખાશે, જે નાવીન્ય પૂરું પાડે છે, જેમ કે એક પોસ્ટરમાં શ્રીકાંત શાકભાજીની થેલી અને ગન બંને સાથે દેખાય છે.

રાજ એન્ડ ડીકેએ પણ નીરજ પાંડેની જેમ એક કરતાં વધુ વખત આ પ્રકારનો પ્રયોગ કર્યો છે. ૨૦૧૭માં આવેલી એમની ‘અ જેન્ટલમેન’ ફિલ્મ પણ આનું એક સારું ઉદાહરણ છે. આ ફિલ્મ પણ એક્શન ફિલ્મ છે, જેના શીર્ષક પરથી આ વાતનો જરા સરખો પણ ખ્યાલ નથી આવતો. આ ફિલ્મ પણ નામમાં છે એ રીતે કોઈ સીધા સાદા જણની જિંદગી પર નથી, પણ તેમાં પણ એક્શનની ભરમાર છે.

ફિલ્મનું નામ એક્શન જોનરથી વિરુદ્ધ હોય પણ ફિલ્મ એક્શન હોય એવાં ઉદાહરણોથી વિરુદ્ધ શીર્ષક એક્શન જોનરનું હોય પણ ફિલ્મ હળવા વિષય ને જોનરની હોય એવું બન્યાનો પણ એક મજેદાર કિસ્સો છે.

ગયા વર્ષે જ રિલીઝ થયેલી અનુશ્રી મહેતા દિગ્દર્શિત ફિલ્મ ‘મિસિસ અન્ડરકવર’ના નામમાં ‘અન્ડરકવર’ શબ્દ હોવા છતાં એ માસ એક્શન ફિલ્મ નથી. એ એક સ્પાય કોમેડી ફિલ્મ છે. નામ મુજબ જ સ્પાય ફિલ્મ તો ખરી પણ તેની સ્ટોરીલાઇન હળવી અને રસપ્રદ છે.

એક અન્ડરકવર એજન્ટ છોકરીને વર્ષો સુધી કોઈ ઓપરેશન નથી મળતું અને એને અપાયેલા કવર લાઈફ દરમિયાન જ લગ્ન કરીને એ ઠરીઠામ થઈ જાય છે. વર્ષો પછી એને ઓપરેશન મળે છે ને શરૂ થાય છે કોમેડી…

શીર્ષક કંઈક ને ફિલ્મ કંઈક એવા પ્રયોગ ફક્ત એક્શન જોનર સાથે અને ભારતીય ફિલ્મ્સમાં જ થયા છે એવું નથી. બીજા જોનર અને હોલીવૂડની ફિલ્મ્સમાં પણ આ વાત જોવા મળે છે… પણ એની રસપ્રદ વાત કરીશું આવતા સપ્તાહે…! (ક્રમશ:)

લાસ્ટ શોટ
નીરજ પાંડેની ફિલ્મ ‘બેબી’નું શીર્ષક પહેલા ‘ઐયારી’ રાખવામાં આવ્યું હતું. એ પછીથી નીરજ પાંડેએ ‘ઐયારી’ (૨૦૧૮) નામની બીજી એક ફિલ્મ પણ બનાવી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત