રામભક્ત હનુમાનની ફિલ્મમાં મીનાકુમારી..!
રામને અહિરાવણના સકંજામાંથી ઉગારતી ઓછી જાણીતી કથા પરથી વીસ વીસ વર્ષના અંતરે એક મૂંગી અને બે બોલપટ એમ કુલ ત્રણ ફિલ્મો બની છે.
હેન્રી શાસ્ત્રી
ભગવાન શ્રી રામની વાત ભક્ત હનુમાન વિના અધૂરી કહેવાય. ફિલ્મના ટાઈટલમાં ભલે હનુમાનનો ઉલ્લેખ હોય, પણ કથામાં રામનો ઉલ્લેખ કર્યા વિના ચાલે જ નહીં એવો ભક્ત – ભગવાનનોસંબંધ છે.
હનુમાન દાદાની પહેલી ફિલ્મ તરીકે દાદાસાહેબ ફાળકેની મૂક ફિલ્મ ’લંકા દહન’ (૧૯૧૭)નો ઉલ્લેખ છે. વીસમી સદીના પ્રારંભમાં સ્ત્રીઓ ફિલ્મમાં કામ કરે એ અજુગતું ગણાતું એટલે ‘લંકા દહન’માં રામ અને સીતા એ બંનેની ભૂમિકા અણ્ણા સાળુંકે નામના મરાઠીભાષી અભિનેતાએ કરી હતી. હનુમાનના રોલમાં ગણપત શિંદે અને રાવણ તરીકે દત્તાત્રય દાબકે નામના નટ હતા. આમ દિગ્દર્શક ઉપરાંત મુખ્ય કલાકાર પણ મરાઠીભાષી હતા. મૂકપટના દોરના ખૂબ જ સફળ દિગ્દર્શક તરીકે નામના મેળવનારા કાનજીભાઈ રાઠોડે (બેન થયેલીપ્રથમ ભારતીય ફિલ્મ ‘ભક્ત વિદુર’નાદિગ્દર્શક) બોલપટનો યુગ શરૂ થયા પછી ‘લંકા દહન’ (૧૯૩૪) ડિરેક્ટ કરી હતી. ફિલ્મના મુખ્ય કલાકારોમાં હૈદર શાહ, શાંત કુમારી અને મારુતિ રાવ હતા. ફિલ્મનું નામ ‘લંકા દહન’ છે એટલે વાર્તાનો સમયગાળો રાવણ સીતાજીનું અપહરણ કરે છે અને હનુમાન અશોક વાટિકામાં સીતા મૈયાનેભગવાન રામની વીંટી આપ્યા પછી લંકાને આગ લગાવે છે એ દરમિયાનનો છે.
ભગવાન રામના ચિત્રપટમાં હનુમાનજીની હાજરી તો અવશ્ય જ હોય, પણ હનુમાન દાદાનું નામ ટાઈટલમાં હોય એની શરૂઆત પણ મૂકપટ દરમિયાન થઈ હતી. એમાં પણ ફાળકે દાદા અગે્રસર હતા, જેમણે ‘લંકા દહન’ પછી ‘હનુમાન જન્મ’ (૧૯૨૭) બનાવી હતી, જેમાં ભગવાન વિષ્ણુ તરીકે બાબુરાવ દાતાર અને હનુમાનજીનો રોલ લક્ષ્મણ માલુસરેએ કર્યો હતો. ૧૯૩૦માં ‘હનુમાન વિજય’ નામની ફિલ્મ આવી હતી, જેના પ્રોડ્યુસર તરીકે બ્રિટિશ ઈન્ડિયન ફિલ્મ’ કંપનીનો ઉલ્લેખ છે.
ફિલ્મની કથા સામાન્યપણે શ્રી રામની કથામાં જોવા મળે છે એના કરતાં કઈંક અલગ તરી આવે છે. ભગવાન શ્રી રામને અહિરાવણના સકંજામાંથી હનુમાન ઉગારે છે. રામ સામેના યુદ્ધમાં કુંભકરણનું મૃત્યુ થયા પછી મૂંઝાઈ ગયેલો અને અમુક હદે ફફડી ગયેલા રાવણે પાતાળપુરીના રાજા અને પોતાના નાના ભાઈ અહિરાવણનીમદદ માગી અને રામ- લક્ષ્મણનુંનિદ્રાવસ્થામાં અપહરણ કરી પાતાળલોક લઈ જઈ ત્યાં ઠાર મારવા કહે છે. માયાવી શક્તિનીમદદથી અહિરાવણ રામ – લક્ષ્મણને ઉપાડી પાતાળલોકમાં પલાયન થઈ જાય છે. હનુમાનને આખી વાતની જાણ થતા એ અહિરાવણનો શિરચ્છેદ કરી એના સૈન્યનો ખાત્મો બોલાવી ભગવાન શ્રી રામ તથા લક્ષ્મણને ઉગારી લે છે…
ભક્ત આમ ભગવાનની સહાયતા કરે છે. આ કથા ઓછી જાણીતી છે. જાણવા જેવી વાત એ છે કે પોણા ત્રણ કલાક લાંબી આ ફિલ્મના મુખ્ય કલાકાર તરીકે બે વિદેશી અભિનેતાના નામની પણ નોંધ છે.
‘હનુમાન વિજય’ ફિલ્મના ૨૦ વર્ષ પછી ‘બસંત પિક્ચર્સ’ના નિર્માણ હેઠળ હોમી વાડિયાએ એ જ કથાનેકેન્દ્રમાં રાખી ‘હનુમાન પાતાળ વિજય’ (૧૯૫૦) નામની ફિલ્મ બનાવી હતી. ૧૯૩૦ની ફિલ્મમાં ‘પાતાળ’ શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને લેખકનોટ્રિપલ રોલ હોમી વાડિયાએ નિભાવ્યો હતો. કલાકાર તરીકે મહિપાલ, એસ એન ત્રિપાઠી અને મીના કુમારી હતા. હનુમાનના રોલ ત્રિપાઠીજીએ કર્યો હતો. ફિલ્મમાં સંગીત પણ ત્રિપાઠીનું જ હતું. વિજય ભટ્ટની ‘બૈજુ બાવરા’ પહેલા મીના કુમારીએ કેટલીક પૌરાણિક ફિલ્મોમાં કામ કર્યું હતું એમાંની એક હતી ‘હનુમાન પાતાળ વિજય.’
૨૪ વર્ષ પછી ૧૯૭૪માં પૌરાણિક ફિલ્મોમાં માસ્ટરી ધરાવતા બાબુભાઈ મિસ્ત્રીએ પાતાળ’ શબ્દ દૂર કરી અહિરાવણ
કથાની હેટ – ટ્રિકપૂરી કરી ‘હનુમાન વિજય’ બનાવી…!
આ ફિલ્મ સાથે પણ કેટલીક રસપ્રદ વાતો જોડાયેલી છે. ફિલ્મના મુખ્ય કલાકાર તરીકે હર્ક્યુલસ, કાનન કૌશલ, મનહર દેસાઈ અને આશિષ કુમારનાનામ છે. ૧૯૬૦ના દાયકાના ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા મનહર દેસાઈનેબાબુભાઈ મિસ્ત્રીએ અહિરાવણના રોલમાં પેશ કર્યો હતો. હનુમાનની ભૂમિકામાં હર્ક્યુલસ હતો.
એક્ટરોના જોખમી સ્ટંટસીન કરવા માટે જાણીતો હર્ક્યુલસ દેખાવેહેન્ડસમ હતો ને એનો બાંધો પણ કદાવર હતો એટલે એને ફિલ્મોમાં નાની- મોટી ભૂમિકા મળવા લાગી.
રોબિનહૂડ પાત્રથી પ્રેરાઈને બનાવવામાં આવેલી ‘સખી લુટેરા’માં એના એક્શન સીનનેકારણે હર્ક્યુલસનેજે ફિલ્મો મળી એમાંની એક હતી બાબુભાઈની ‘હનુમાન વિજય’. બાબુભાઈને આ હનુમાન ખૂબ હેવાયો થઈ ગયો હોવો જોઈએ, કારણ કે સાત વર્ષ પછી એમણ ‘મહાબલી હનુમાન’ બનાવી અને રામ ભક્ત હનુમાનના રોલમાં ફરી હર્ક્યુલસનેજ પસંદ કર્યો.
આ ફિલ્મમાં રાવણના રોલમાં મનહર દેસાઈ હતા જ્યારે શ્રી રામની ભૂમિકામાં રાકેશ પાંડે હતો. ૧૯૬૭માં ‘સારા આકાશ’ નામની ઓફબીટ ફિલ્મનાપરફોર્મન્સથી પ્રશંસા મેળવનાર અભિનેતા ભાગ્યે જ પૌરાણિક ફિલ્મમાં નજરે પડ્યો. આ ઉપરાંત હનુમાન દાદાની જે ફિલ્મો બની છે એમાં ૧૯૪૮ની ‘રામભક્ત હનુમાન’, ‘જય હનુમાન’, ‘બજરંગબલી’ (૧૯૫૬), ’રામ- હનુમાન યુદ્ધ’ (૧૯૫૭), ‘પવનપુત્ર હનુમાન’ (૧૯૫૭ ), ‘હનુમાન ચાલીસા’ (૧૯૬૯), ‘શ્રી રામ હનુમાન યુદ્ધ’ (૧૯૭૫) અને ‘બજરંગબલી’ (૧૯૭૬) વગેરે હતી.
હિન્દી ફિલ્મોમાં ટ્રીક ફોટોગ્રાફીમાં માહેર ગણાતા બાબુભાઈ મિસ્ત્રીએ હનુમાન દાદાની ત્રણ હિન્દી અને એક તમિળ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું આ ઉપરાંત બાળકોને મનોરંજન અને પુરાણની થોડી જાણકારી મળે એ હેતુથી હનુમાનદાદાની એનિમેશન ફિલ્મો પણ બની છે. ૨૦૦૫માં ‘હનુમાન’ નામની પહેલી એનિમેટેડ ફિલ્મ બની હતી. ત્યારબાદ ‘હનુમાન રિટર્ન્સ’, હનુમાન દા દમદાર’, ‘હનુમાન વર્સેસ મહાનિર્વાણ’ નોંધપાત્ર
ફિલ્મો છે.
નાના પડદા પર યાને કે ટેલિવિઝન પર પણ ‘હનુમાન’, ‘સંકટમોચન મહાબલી હનુમાન’, ‘જય હનુમાન’ ઇત્યાદિ ઇત્યાદિએ પણ જ્ઞાન સાથે ગમ્મત કરાવી છે.
શરતચૂક
ગયા સપ્તાહની ‘ફ્લેશબેક’ કોલમના મહેન્દ્ર કપૂરના લેખમાં એક માહિતી દોષ થયો હતો. એમાં લખ્યું હતું કે ‘એક રજકણ સૂરજ થવાને શમણે’ મહેન્દ્ર કપૂર – ઉષા મંગેશકરનું યુગલ ગીત છે. હકીકતમાં આ એકલ ગીત છે, જેને લતા મંગેશકરે ગાયું છે.