વિજ્ઞાન-ફિલ્મોનો વાયરો માત્ર કલ્પનાના ગુબારા કે ભાવિ જગતમાં ડોકિયું..?
‘સાઈ-ફાઈ’ તરીકે ઓળખાતી સાયન્સ ફિલ્મોમાં આગામી વર્ષોમાં ‘આવું આવું’ થશે એવાં માત્ર કલ્પનાના ઘોડા દોડાવવામાં નથી આવતા. ફિલ્મોમાં દર્શાવેલી અનેક કાલ્પનિક શોધ સમય જતાં ખરેખર સાકાર પણ થઈ છે !
ડ્રેસ-સર્કલ -ભરત ઘેલાણી
આપણી ત્રણ અવસ્થા. બાળ-યુવા અને વૃદ્ધાવસ્થા. આ ત્રણેય તબક્કા દરમિયાન, શારીરિકની જેમ આપણી માનસિક અવસ્થામાંય ફેરબદલાવ આવે.
જો કે, બાળ અને યુવાવસ્થામાં બધાને સપનાં જોવાં બહુ ગમે. બાળપણ સપનાં જોવાંમાં વીતી જાય તો યુવાની સપનાં સાકાર કરવામાં સરકી જાય.. એક જમાનામાં- એ યુગના બાળકને પરીકથા ગજબની ગમતી.પછી કિશોરવયે એ હેરી પોર્ટરના પ્રેમમાં પડે. એ તબક્કામાંથી બહાર આવે પછી કેટલાકને સાઈ-ફાઈ
(જભશ-ઋશ)નું ઘેલું લાગે. એક જમાનામાં વિજ્ઞાન વાર્તાઓ પસંદ કરનારાઓનો વર્ગ નાનો રહેતો. સામાજિક-ધાર્મિકથી માંડીને ઐતિહાસિક- રાજકીયથી લઈને છેક પ્રેમની કથાઓ વચ્ચે હવે વિજ્ઞાન વાર્તાઓ પણ હવે પોતાનું વિશેષ સ્થાન કંડારતું જાય છે. આવી વાર્તાઓનું ફલક હવે માત્ર સામયિક-પુસ્તક પૂરતું મર્યાદિત રહેવાને બદલે ફિલ્મ-ટીવી સિરિયલ – વેબ શો સુધી વિસ્તરતું જાય છે.
વર્ષો પહેલાં રડીખડી વિજ્ઞાન ફિલ્મોનું નિર્માણ થતું ત્યારે એની નોંધ પણ માંડ લેવાતી.આવી ફિલ્મો તરફ દર્શકો ‘અચ્છા,આવા વિષય પર પણ ફિલ્મ બને છે ખરી’ એવા વિસ્મય સાથે નિહાળતાં. આજે પ્રવાહ પલટાયો છે. હવે આવી વિજ્ઞાનકથાઓને આદર સાથે ખાસ આવકારનારાની સંખ્યામાં ક્ર્મશ: વધારો
વિશ્ર્વભરમાં આજે દર વર્ષે અવનવા વિષય-કથાનક લઈને સરેરાશ ૩૦થી વધુ સાયન્સ ફિલ્મો બનવા લાગી છે. આમાં સાયન્સ વત્તા થ્રીલર-સસ્પેન્સ-હોરરનોય સમાવેશ થઈ જાય.
આમ જુઓ તો છેક ૧૯૬૮માં રજૂ થયેલી અને દર્શકો – ફિલ્મ સમીક્ષકોએ જેને અદભુત દિવાસ્વપ્ન જેવી – ‘ફેન્ટસી’ ફિલ્મ ગણાવીને નોંધ લીધી એ ૨૦૦૧- ‘અ સ્પેસ ઓડિસી’ ફિલ્મને આધુનિક યુગની પ્રથમ સાયન્સ ફિકશન ગણાવી શકાય. આ ફિલ્મ સર્વપ્રથમ વાર માનવીના બુદ્ધિબળને હંફાવતા ‘સુપર કમ્પ્યુટર’ની વાત લઈને આવી હતી. આવી જ રીતે રોબો (યંત્રમાનવ) અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિ)ની એ વખતની ફિલ્મી કલ્પનાઓ સમય જતા વાસ્તવિક બની. એ પછી હોલિવૂડના વધુ ને વધુ નિર્માતા- દિગ્દર્શકોને આ પ્રકારની ફિલ્મોનાં નિર્માણમાં રસ પડવા માંડ્યો. હવે તો દર વર્ષે નિયમિત આ પ્રકારની ફિલ્મો આવી રહી છે.
આમાં આજે પણ જેનો ઉલ્લેખ કરવો પડે એવી મૂવીઝ છે : બ્લેડ રનર એન્ડ સ્નોપર્સર -ધ વર્લ્ડ’સ એન્ડ – ટ્રોલહન્ટર-ક્રાઈમ્સ ઑફ ધ ફ્યુચર-અ ક્લોકવર્ક ઑરેન્જ – સ્ટાર્સ-એરાઈવલ- ગ્રેવીટી- ઈન્ટરસ્ટીલર- ધ એઝ ઓફ ટુ મોરો- મૂનલાઈટ- પેરાસાઈટ- ધે શેપ ઑફ વોટર – અવતાર (શ્રેણી), ઈત્યાદિ ઈત્યાદિ.
જો કે આ બધાની વચ્ચે ફિલ્મ સમીક્ષકોએ ખાસ અલગ તારવેલી પાંચેક ફિલ્મો વિશે વિજ્ઞાનકથાના ચાહક દર્શકોએ ખાસ જાણવા જેવું છે.
આમાં તાઈવાનના જાણીતા દિગ્દર્શક ચેંગ વેલ-‘હોની ધ સોલ’ નામની ફિલ્મમાં આમ તો પહેલી નજરે ચીલાચાલુ મર્ડર-મિસ્ટ્રી લાગે. આગામી ૨૦૩૫ની સાલમાં એક ધૂંધવાયેલો પુત્ર એના અબજપતિ પિતાની કઈ રીતે હત્યા કરે છે એની કથા છે.આ સાયન્સ ફિલ્મમાં થ્રીલર- સસ્પેન્સ- હોરર જેવાં ઉત્સુકતા જગાડે એવાં બધાં જ તત્ત્વોને બખૂબી સાંકળી લેવામાં આવ્યાં છે..
પૃથ્વી પર આક્રમણ કરીને માનવજાતનો વિનાશ કરવા ઈચ્છતાં બીજાં ગ્રહોના અસૂરી આત્માઓ કે કુદરતી પ્રલયમાંથી પૃથ્વીને છેક છેલ્લી મિનિટે કઈ રીતે ઉગારી લેવામાં આવે છે એ પ્રકારની અગાઉ ઘણી વિજ્ઞાનકથાઓ આપણાં પરદા પર પેશ થઈ ચૂકી છે, પરંતુ એ જ વાત ‘ગ્રીનલેન્ડ’ નામની
સાઈ-ફાઈ ફિલ્મમાં જરા અનોખી રીતે રજૂ કરવામાં આવી છે. પૃથ્વી પર અચાનક થયેલું પ્રચંડ ધૂમકેતુઓનું આક્રમણ ચોતરફ વિનાશ વેરે છે ત્યારે આપણી ધરતીની કોણ રક્ષા કરે છે કે ખરેખર પૃથ્વી આ ઉત્પાતથી બચે છે કે નહીં એ દર્શાવ્યાં વગર એક યુગલ અને ડાયાબિટીસથી પીડાતો એમનો નાનક્ડો પુત્ર પોતાની રીતે કઈ રીતે રઝળપાટ કરીને કઈ રીતે ઊગરી જઈને એક સુરક્ષિત સ્થળ – ગ્રીનલેન્ડ પર પહોંચે છે એની કથા આ ફિલ્મમાં સચોટ રીતે દર્શાવવામાં આવી છે.
‘ઝોમ્બિ’ શબ્દ હવે આપણા વાચકો કે ફિલ્મ દર્શકો માટે સાવ અજાણ્યો નથી રહ્યો. જાદુ કે કોઈ અન્ય પ્રકારથી સજીવન કરેલું શબ ‘ઝોમ્બિ’ તરીકે ઓળખાય છે. આવા અનેક ભાવશૂન્ય શબ ટોળાંમાં ફરે છે અને બીજા સભાન લોકોને બળજબરી કરી પોતાનાં ટોળાંમાં ભેળવી દે છે આવાં ઝોમ્બિની કથાનકવાળી અનેક હોલિવૂડ ફિલ્મો આવી ગઈ છે. આપણે ત્યાં પણ આવી બે-ત્રણ અધકચરી ફિલ્મો આવી ગઈ છે. જો કે આવી થીમવાળી ફિલ્મો બનાવવામાં દક્ષિણ કોરિયા બીજાથી આગળ છે.
જેમ આપણે ત્યાં કોરોનાની મહામારીએ એનો પ્રકોપ જગતભરમાં ફેલાવ્યો એ જ રીતે ઝોમ્બિઓની જમાત પણ એક પ્રકારનો પેન્ડેમિક ફેલાવે છે એવી થીમ સાથેની ફિલ્મો કોરિયાના દર્શકોમાં બહુ
લોકપ્રિય છે.
આ ફિલ્મોમાં હોરર-ભૂતાવળની સાથે ભાવિ વિજ્ઞાનની વાતોનું અચ્છું મિશ્રણ હોય છે. આવી થીમવાળી ‘ટ્રેન ટુ બુસન’ નામની ફિલ્મની ‘પ્રીક્વિલ’ અને સીક્વિલ’ એટલે કે મૂળ કથાની પૂર્વ અને અને પછીની કડીએ કોરિયામાં ધૂમ મચાવી હતી. દોડતી ટ્રેન અને ઝડપભેર ભાગતી-અથડાતી ઢગલાબંધ કારનાં ટોળાંમાં જીવતાં શબ એવાં ઝોમ્બિઓની ટોળકીઓ જે કાળો કેર મચાવે છે એનો સામનો યુવતીઓની એક ત્રિપુટી કેવાં કેવાં કારનામાં સાથે કરે છે એની આ કથા છે
આ જ રીતે ફિલ્મરુપે પેશ થયેલી એક સાયન્સ-કથાએ પણ દર્શકો-સમીક્ષકોનું ધ્યાન ખેંચવાની સાથે બોક્સ ઑફિસ પણ રણકાવી છે. એ છે ફિલ્મ : ૨૦૬૭. એનાં શીર્ષક મુજબ એ ભાવિમાં ડોકિયું કરાવતી ચારેક દસકા પછીની કથા છે. સમગ્ર પૃથ્વી પરથી અચાનક ઑકિસજનનું પ્રમાણ ઘટવા માંડે છે અને પ્રાણવાયુના અભાવે લોકો ટપોટપ મરી રહ્યા છે. એ વખતે માનવજાતને ઉગારવા ઈથાન નામના એક શખસને જવાબદારી સોંપવામાં આવે છે બીજાને એ બચાવવા પ્રયત્ન જરૂર કરે છે, પરંતુ એનો મુખ્ય આશય છે પ્રાણવાયુ વગર તરફડતી એની પ્રિય પત્નીને બચાવવાની.!
તાજેતરની હોલિવૂડના ક્લાકાર કસબીઓની ગાજેલી અને લાંબી ચાલેલી હડતાલને લીધે કેટલીક નવી સાઈ-ફાઈ ફિલ્મોની પણ રજૂઆત અટકી ગઈ છે. આમ છતાં ,આ ફેબ્રુઆરી પછી ‘મેડમ વેબ’ અને ‘મિક્કી- ૧૭ ’ તથા ‘ક્રેવન -ધ હન્ટર’ જેવી સાયન્સ ફિલ્મોની વિવેચકો અને દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,
આમ આવી વિજ્ઞાનકથાઓ આવતી કાલના જગતના એંધાણ આજે દર્શાવીને આપણી ઉત્સુકતા વધારી દે છે.