પાકિસ્તાને ગભરાઇને ઇરાન પર કરેલા વળતા હુમલામાં સાત ‘નિર્દોષ’નાં મોત
ઇસ્લામાબાદ: ઇરાને પાકિસ્તાનમાંના ત્રાસવાદીઓની છાવણીઓ પર મિસાઇલ અને ડ્રોનથી કરેલા હુમલાથી ડઘાઇ ગયેલા ઇસ્લામાબાદે ગભરાઇને અને પોતાની આંતરરાષ્ટ્રીય છબિ ખરડાઇ ન જાય, તે હેતુથી ઇરાનના સિયેસ્તાન – બલૂચિસ્તાન પ્રાંતમાંના સરહદી ગામ પર કરેલા હુમલામાં ત્રણ મહિલા અને ચાર બાળક મૃત્યુ પામતા ઇરાન અને પાકિસ્તાન વચ્ચે મોટો સંઘર્ષ અને ઘર્ષણ શરૂ થયું છે. તહેરાન દાવો કરે છે કે પાકિસ્તાને કરેલા હુમલામાં સરહદ પરના ગામમાંના સાત નિર્દોષ લોકો માર્યા ગયા હતા.
ઇસ્લામાબાદે તહેરાનમાંના પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા હતા અને પાકિસ્તાનના સરકારી અધિકારીઓના ઇરાન ખાતેના બધા પ્રવાસ રદ કર્યા હતા.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બડાઇ હાંકતા દાવો કર્યો હતો કે પાકિસ્તાને ઇરાનના સિયેસ્તાન – બલૂચિસ્તાન પ્રાંતમાં ‘ત્રાસવાદીઓની છાવણીઓ’ પર શ્રેણીબદ્ધ હુમલા કર્યા હતા.
ઇરાને દાવો કર્યો હતો કે પાકિસ્તાને સરહદ પરના ગામમાં પરોઢિયે ૪.૫૦ વાગ્યે કરેલા મિસાઇલ હુમલામાં ત્રણ મહિલા અને ચાર બાળક સહિત સાત જણ માર્યા ગયા હતા.
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલુ છે અને યમનના હુતી બળવાખોરો દ્વારા વેપારી જહાજો પર હુમલા કરાઇ રહ્યા છે, એવા સમયે ઇરાન અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ઊભું થતાં આખા વિસ્તારમાં તંગદિલી વધી હતી.
પાકિસ્તાનના હવાઇદળના યુદ્ધ વિમાનોએ પરોઢિયે પાકિસ્તાનની હવાઇ સીમામાં જ રહીને ઇરાન પર મિસાઇલ છોડ્યા હોવાનું કહેવાય છે.
પાકિસ્તાને દાવો કર્યો હતો કે અમે ઇરાનની સરકારને સરહદ પર ચાલતી ત્રાસવાદીઓની પ્રવૃત્તિ અંગે અગાઉ જાણ કરી હતી, પરંતુ તહેરાન દ્વારા તેને બંધ કરાવવા કોઇ સહકાર નહોતો અપાયો.
અમે ઇરાન પર કરેલા હુમલામાં નાગરિકોના કોઇ રહેઠાણ વિસ્તાર કે લશ્કરી મથકને લક્ષ્ય નહોતા બનાવ્યા. અમે અમારા પરના હુમલાનો વળતો જવાબ આપીશું.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન જલીલ અબ્બાસ જિલાની હાલમાં યુગાન્ડાના કમ્પાલામાં અલિપ્ત દેશોના પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા ગયા છે.
તેમણે જણાવ્યું હતું કે ઇરાને ૧૬ જાન્યુઆરીએ પાકિસ્તાનમાં મિસાઇલો અને ડ્રોનથી કરેલા હુમલાથી પાકિસ્તાનના સાર્વભૌમત્વને ગંભીર હાનિ પહોંચાડી છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનો પણ ભંગ કર્યો છે. (એજન્સી)