વડોદરાના હરણી તળાવમાં બોટની જળસમાધિ ૧૬નાં મોત
બચાવ કામગીરી: વડોદરાના તળાવમાં ગુરુવારે હોડી ઊંધી વળી તે પછી ચાલતી બચાવ કામગીરી. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ અને તેઓના શિક્ષકો હતા. મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલી હતી. (પીટીઆઇ)
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મોરબી ઝૂલતા બ્રિજની હચમચાવી દેનારી દુર્ઘટનામાં ૧૩૦ થી વધુ લોકોના મોત બાદ વડોદરાના હરણી તળાવમાં બાળકોથી ખચોખચ ભરેલી બોટ ઊંધી વળી જતા ૧૩થી વધુ બાળકો અને બે શિક્ષિકાનાં મોત થયાં હતાં. વડોદરામાં પણ બોટ ઓપરેટિંગનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો. બોટની ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યો છે. મોતનો આંકડો હજુ પણ વધવાની દહેશત વ્યક્ત થઇ છે. હજુ છ બાળકો અને એક શિક્ષક લાપતા હોવાથી તેમની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. બીજી બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરીને બચાવની કામગીરી ઝ઼ડપી બનાવવાની તંત્રને તાકીદ કરી હતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને રૂ. છ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ.૫૦ હજારની સહાયની જાહેરાત કરી છે.
આ હચમચાવી નાખનારી ઘટનાની પ્રાથમિક વિગતો અનુસાર વાઘોડિયા રોડ પર આવેલી એક સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માણવા વડોદરાના હરણી તળાવ પર આવ્યા હતા અને બોટમાં ૨૦થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. તેમજ બોટિંગ સમયે લાઈફ જેકેટ પહેર્યા ન હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. તળાવમાં ફરી રહેલી આ બોટ અચાનક ઊંધી વળી જતા તમામ બાળકો અને તેમની સાથેની શિક્ષિકાઓ ડૂબ્યાં હતાં. આ દુર્ઘટનાની જાણ થતાં જ મેયર સહિતના આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા હતા. તેમજ બાળકો અને ટીચરને બચાવીને હોસ્પિટલ ખસેડાયાં હતાં. જેમાં વડોદરાની જાનવી હોસ્પિટલમાં ૯ ના મોત થયા છે જ્યારે સયાજી હોસ્પિટલમાં ૩ નાં મોત થયા છે જેમાં ૧૩ બાળકો, ૨ ટીચર હોવાની વિગતો બહાર આવી હતી. આ ઘટનામાં છાયા પટેલ અને ફાલ્ગુની સુરતી નામની શિક્ષિકાનાં મોત થયા છે. ધોરણ૧ થી લઇને ૫ ધોરણ સુધીનાં બાળકો બોટમાં હતાં. જ્યારે ૧૬ની ક્ષમતાવાળી બોટમાં ૨૭ લોકોને બેસાડ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની એક ટીમ વડોદરા માટે રવાના કરવામાં આવી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ વડોદરા જવા પહોંચી ગયા હતા.
બીજી તરફ એવું પણ કહેવાઇ રહ્યું છે કે, આ પ્રવાસ અંગે વાલીઓ અજાણ હતા અને શિક્ષકો પ્રવાસે લઇને ઊપડ્યા હતા. તેમજ વાલીઓને જાણ કર્યા વગર જ સ્કૂલે પ્રવાસનું આયોજન કર્યું હતું.
વડોદરાના કલેક્ટર એ.બી ગોરે જણાવ્યું હતું કે, ૨૩ ભુલકાઓ અને ૪ શિક્ષકો હતાં. તેમાંથી ૧૧ને બચાવી લેવામાં આવ્યા છે. સાત બાળકો હોસ્પિટલમાં છે અને સુરક્ષિત છે. જોકે, ૫થી વધુ વિદ્યાર્થીઓ લાપતા હોવાની વિગતો સામે આવી છે. તેમજ ૯ વિદ્યાર્થીને જ્હાનવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ સાથે જ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. બોટમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. ક્રેનથી વિદ્યાર્થીઓની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભૂલકાંના મોત પાછળ જવાબદાર કોણ ?
મોરબીની દુર્ઘટનામાં પોતાનાં સ્વજનોને ગુમાવી ચૂકેલા લોકોના આંસુ સુકાયા નથી ત્યાં વડોદરાના હરણી તળાવમાં ડૂબી જવાથી એક ડઝનથી વધુ ભૂલકાઓનાં મોત થતા રાજ્યમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી એટલું જ નહીં તંત્ર સામે પણ આક્ષેપોનો મારો શરૂ થઇ ગયો હતો તેમજ એવા સવાલો ઊઠતા હતા કે, ભૂલકાંના મોત માટે જવાબદાર કોણ ?
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ તળાવને વિકસાવવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો, તે લેક વ્યૂ નામથી તળાવ વિકસાવવામાં આવ્યું હતું. જેમાં આજે ગુરૂવાર બોટિંગ દરમિયાન ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને ક્ષમતા કરતાં વધારે પ્રમાણમાં બેસાડવામાં આવતા બોટ પલટી જતાં બાળકો ડૂબી ગયાની ઘટના બનવા પામી છે.
આ ઘટના અંગે હાજર રહેલા શિક્ષકોએ કોન્ટ્રાક્ટર પર આક્ષેપો કર્યા હતા કે, બોટની કેપેસિટી ૧૦થી ૧૨ બાળકોની હોવા છતાં તેઓએ ૨૦થી ૨૫ બાળકો એક જ બોટમાં બેસાડતા વજન વધી જતા આ બનાવ બન્યો છે. તેઓને ના પાડવા છતાં વધુ બાળકો બેસાડ્યા હતા. ત્યારે હવે સવાલ એ થાય છે કે આ ગંભીર બેદરકારીની જવાબદારી કોણ સ્વીકારશે?