જેટલી કુણબી નોંધ મળી છે તેમને પ્રમાણપત્રો આપો: રાજ્ય સરકારનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિંદે સમિતિને 54 લાખ કુણબી નોંધ મળી છે અને જેટલી નોંધ મળી છે તે બધાને તત્કાળ પ્રમાણપત્ર આપવામાં આવે એવો આદેશ રાજ્ય સરકાર વતી આપવામાં આવ્યો છે. મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો અત્યંત મહત્ત્વપુર્ણ નિર્ણય છે.
મહેસુલ વિભાગના અપર મુખ્ય સચિવ દ્વારા રાજ્યના બધા જ જિલ્લાધિકારીઓ (કલેક્ટરો)ને આદેશ મોકલવામાં આવ્યા છે કે જેટલાની કુણબી નોંધ મળી છે તે બધાને તત્કાળ કુણબી પ્રમાણપત્રો આપવાની કાર્યવાહી શરૂ કરી દેવી. એટલું જ નહીં, આ કાર્યવાહી અત્યંત ઝડપથી કરવા માટે વિશેષ શિબિરોનું આયોજન કરવાનો પણ તેમાં નિર્દેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે કલેક્ટરોને એવો પણ આદેશ આપ્યો છે કે જે-જે કુણબી, મરાઠા-કુણબી, કુણબી-મરાઠા જાતીની નોંધ મળી આવી છે તે લોકોને તેમના નામ જોવા મળે તે માટે ગામ સ્તરે ઝુંબેશ ચલાવીને આવા નામની આખી યાદી પ્રસિદ્ધ કરવામાં આવે જેથી પાત્ર નાગરિકો જાતી પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત દસ્તાવેજો લઈને રજૂઆત કરી શકે.
મરાઠવાડામાં અત્યાર સુધીમાં 18,000ને પ્રમાણપત્ર અપાયા
મરાઠવાડા વિસ્તારમાં જે ગામમાં કુણબી નોંધ મળી છે તે બધા જ ગામમાં બધા પાત્ર લોકોની યાદી ગામ સ્તરે લગાવવામાં આવી છે. ગામોગામ પાત્ર લોકોની યાદી લગાવવામાં આવી છે. ગામોગામ શેરીઓમાં જાહેરાતો કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મરાઠવાડામાં 32,000 નોંધ મળી છે અને તેમાંતી 18,000 લોકોને કુણબીના પ્રમાણપત્રો આપી દેવામાં આવ્યા છે. બાકીના લોકોને પણ વહેલામાં વહેલી તકે આ પ્રમાણપત્રો મળે તે માટે આગામી 15 દિવસ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે એમ મરાઠવાડાના વિભાગીય કમિશનર મધુકરરાજે આર્દડે કહ્યું હતું. આ અંગેની યાદી લાતુરની સરકારી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી હોવાની માહિતી પણ તેમણે આપી હતી.