ગુજરાતમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રી નીચે ઉતર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે ઠંડી મોડી પડી છે. શિયાળાની શરૂઆતમાં જ માવઠા અને ત્યારબાદ વાદળછાયા વાતાવરણને કારણે શિયાળો જામ્યો નહોતો, પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હજુ સુધી અસલી ઠંડીનો અહેસાસ જોવા મળ્યો નથી. ઉત્તરાયણના પર્વ ટાણે લઘુત્તમ તાપમાનનો પારો ગગડયો હતો, પરંતુ અગાઉનાં વર્ષોની સરખામણીએ ઠંડીનું જોર ઘટ્યું છે. છેલ્લા બે દિવસથી મોડી રાતથી સવારના નવ વાગ્યા સુધી શિયાળાનો અહેસાસ થઇ રહ્યો છે, પરંતુ બપોર અને સાંજ દરમિયાન હળવી ગરમી પણ અનુભવાઇ રહી છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીની આસપાસ ઘૂમી રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા ૨ દિવસથી રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ સ્થળોએ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા લઘુતમ તાપમાનના આંકડા અનુસાર ગાંધીનગરમાં ૧૧.૫, અમદાવાદમાં ૧૩.૪, આણંદમાં ૧૪.૮, વડોદરામાં ૧૩.૨, સુરતમાં ૧૬, બનાસકાંઠામાં ૧૨.૨, સુરેન્દ્રનગરમાં ૧૫, ભાવનગરમાં ૧૫, રાજકોટમાં ૧૩.૮, અમરેલીમાં ૧૪.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. પરંતુ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. જો કે આ વાદળો હાઈ ક્લાઉડ હોવાથી વરસાદની શક્યતા નહીવત જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આગામી ૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.