મહારાષ્ટ્ર માટે મોટા ન્યૂઝઃ દાવોસમાં રૂ. ૩.૫૩ લાખ કરોડના MoUમાં હસ્તાક્ષર, હજારો નોકરીનું થશે સર્જન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક રોકાણના વળતા પાણી થયા હોવાના વિપક્ષોના વારંવારના આક્ષેપો વચ્ચે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્ય માટે સારા સમાચાર જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ૨૦૨૪માં રૂ.૩,૫૩,૬૭૫ કરોડના મેમોરેન્ડમ ઓફ અંડરટેકિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.
મહારાષ્ટ્રમાં રૂ. ૧ લાખ કરોડના રોકાણમાં રસ દાખવનારા વૈશ્વિક ઉદ્યોગોના વિશ્વાસમાં વધારા માટે શિંદેએ રોકાણકારોનો આભાર માન્યો હતો. આ એમઓયુ રાજ્યમાં ૨ લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે, એમ મુખ્ય પ્રધાન કાર્યાલય (સીએમઓ) તરફથી એક નિવેદનમાં જણાવાયું હતું.
દાવોસ કોન્ફરન્સના પ્રથમ દિવસે છ ઉદ્યોગો સાથે રૂ. ૧,૦૨,૦૦૦ કરોડના રોકાણ કરારો થયા હતા, જેમાં ૨૬,૦૦૦ નોકરીઓનું સર્જન કરવાની સંભાવના છે. ૧૭ જાન્યુઆરીએ બીજા દિવસે આઠ ઉદ્યોગો સાથે રૂ. ૨,૦૮,૮૫૦ કરોડના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં ૧,૫૧,૯૦૦ નોકરીની તકોનો અંદાજ છે. ૧૮ જાન્યુઆરીએ છ ઉદ્યોગો સાથે રૂ. ૪૨,૮૨૫ કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે, જે વધારાની ૧૩,૦૦૦ નોકરીઓનું સર્જન કરી શકે છે.
નિવેદન અનુસાર શિંદેએ દાવોસના મહારાષ્ટ્ર હોલમાં વિવિધ ઉદ્યોગ જૂથો સાથે ફળદાયી ચર્ચા કરી હતી. અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી પણ શિંદેને મળ્યા હતા અને તેઓએ મહારાષ્ટ્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને સંભવિત રોકાણની તકો વિશે વાત કરી હતી.
ભાવિ રોકાણ માટે વરિષ્ઠ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ સાથે પણ બેઠક આયોજિત થઇ હતી. સાથોસાથ, ઔદ્યોગિક રોકાણો પર લિક્ટેંસ્ટાઇનના રાજકુમાર સાથે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ફ્રેન્ચ ટ્રેડિંગ કંપની લુઈસ ડ્રેફસના ચીફ પોલિસી ઓફિસર થોમસ કાઉટડિયર અને ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર પેટ્રિક ટ્રુઅર સાથે પણ મુલાકાત કરી હતી. તેઓએ મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક વિસ્તરણ અંગે ચર્ચા કરી હતી.
શિંદે સાથેની મુલાકાત દરમિયાન દક્ષિણ કોરિયાના ગ્યોગ્ની પ્રાંતના ગવર્નર કિમ ડોંગ યેઓને મહારાષ્ટ્રમાં મજબૂત પાયો બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ચેક રિપબ્લિક સ્થિત વિટકોવિટ્ઝ એટોમિકા કંપનીના ચેરમેન ડેવિડ ક્રોબોકે નાના મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટર ટેક્નોલોજીમાં રોકાણની તકો માટે મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરી હતી. આ ચર્ચાઓ દરમિયાન ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત પણ હાજર હતા.