આવતીકાલે થાણેના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ
થાણે: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોતાની યોજનાઓ અને સ્ટેમ ઓથોરિટી દ્વારા શહેરને પૂરો પડાતો પાણી પુરવઠો રિપેરિંગ કામ માટે બંધ કરવામાં આવશે. જેના કારણે શુક્રવારે શહેરના કેટલાક વિસ્તારોનો પાણી પુરવઠો ચોવીસ કલાક બંધ રહેશે. આ બંધના કારણે આગામી એકાદ બે દિવસ ઓછા પ્રેશરથી પાણી પુરવઠો રહેશે.
થાણે મ્યુનિસિપલ વિસ્તારમાં દરરોજ ૫૮૫ મિલિયન લિટર પાણી ચાર સ્ત્રોતો દ્વારા આપવામાં આવે છે. જેમાં ૨૫૦ મિલિયન લીટર પાણી મ્યુનિસિપલ કોર્પોરેશનની પોતાની સ્કીમમાંથી, ૧૧૫ મિલિયન લીટર સ્ટેમ ઓથોરિટી, ૧૩૫ મિલિયન લીટર મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને ૮૫ મિલિયન લીટર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આપવામાં આવે છે. આ તમામ સ્ત્રોતો શહેરમાં પાણી પુરવઠાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
૧૯ જાન્યુઆરીના શુક્રવારે સવારે ૯ વાગ્યાથી શનિવાર, ૨૦ જાન્યુઆરીના રોજ સવારે ૯ વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે. જેના કારણે ઘોડબંદર રોડ, લોકમાન્યનગર, વર્તકનગર, સાકેત, ઋતુપાર્ક, જેલ, ગાંધીનગર, રૂસ્તમજી, સિદ્ધાંચલ, ઈન્દિરાનગર, રૂપદેવી, શ્રીનગર, સમતાનગર, સિદ્ધેશ્વર, ઈટર્નિટી, જોન્સન, મુંબ્રા અને કાલવાના કેટલાક વિસ્તારોમાં ૨૪ કલાક પાણી પુરવઠો બંધ રહેશે.
આ બંધના કારણે આગામી એકાદ બે દિવસ ઓછા પ્રેશરથી પાણી પુરવઠો રહેશે, જેથી શહેરીજનોને પાણીની તંગીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે.