સીનાજોરીઃ એસી લોકલમાં ટિકિટ વિના મુસાફરી કરનારાની જોઈ લો દાદાગીરી…
મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરનારા લોકોની રોજે રોજ વધતી જાય છે, પરંતુ ટ્રેનની સંખ્યા સામે પ્રવાસીઓની સંખ્યા વધારે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થાય છે, જેમાં એસી લોકલ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરવાની સાથે બિંદાસ્ત ગાળાગાળી કરીને લોકોને ડરાવતા જોવા મળ્યા હતા.
ગુરુવારે બપોરે વિરાર-ચર્ચગેટ એસી લોકલ ટ્રેનમાં આ બનાવ બન્યો હતો. વાઈરલ થયેલા વીડિયોમાં ટીસીએ બે યુવક પાસેથી ટિકિટ માગ્યા પછી તેમની પાસે એસી ટ્રેનની ટિકિટ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. દંડ ભરવાનું જણાવ્યા પછી એક યુવક રીતસર દાદાગીરી કરતા જોવા મળ્યો હતો, જ્યારે પ્રવાસીઓ સાથે ગાળાગાળી કરતા જોવા મળ્યા હતા. આ બનાવ પછી ટિકિટચેકર સાથે બંને યુવક દ્વારા ગેરવર્તણૂક કરવાને કારણે આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ને જાણ કરી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયો અંગે લોકોએ દાદાગીરી કરનારા યુવકોની ઝાટકણી કાઢી હતી.
1 મિનિટ 24 સેકન્ડના વીડિયોમાં પેસેન્જર પણ ગુસ્સે થયા પછી ગાળાગાળી કરતા જોવા મળ્યા હતા. આ બંને યુવાન ખુલ્લેઆમ દાદાગીરી કરવાની સાથે લોકોને ધમકાવતા હતા. જોકે, ટિકિટ વિના ટ્રાવેલ કરવાની સાથે ટીસી સાથે ગેરવર્તન કરવા મુદ્દે બંનેને આરપીએફને હવાલે કરવામાં આવ્યા હતા. આ મુદ્દે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
પીક અવર્સમાં લોકલ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરનારાની સાથે ફર્સ્ટ ક્લાસની સાથે રિઝર્વેશન કોચમાં ટ્રાવેલ કરનારાની સંખ્યા વધારે છે. આ ઉપરાંત, હવે એસી લોકલ ટ્રેનમાં ટિકિટ વિના ટ્રાવેલ કરનારાની સમસ્યા વધી ગઈ છે. તમામ ટ્રેનમાં ચેકિંગ કરવાનું શક્ય નથી, પરંતુ આ લાચારીનો ખુદાબક્ષો બિંદાસ્ત ફાયદો ઉઠાવે છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવેમાં એપ્રિલથી ડિસેમ્બર 2023 સુધીમાં ટિકિટ ચેકિંગમાં 46,000થી વધુ લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. એસી લોકલ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરનારા પાસેથી 154 લાખ રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ગુજરાતી કહેવત છે ચોરી ઉપરથી સીનાજોરીના માફક એક તો ટિકિટ વિના મુસાફરી કરવાની સાથે ટીસી અને પ્રવાસીઓ સાથે ગેરવર્તન કરવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. આ બાબતમાં યુવાનો સામે આક્રમક પગલાં ભરવા જોઈએ, એમ એક પ્રવાસીએ જણાવ્યું હતું.