રોહિત શર્મા રિટાયર્ડ આઉટ હતો કે રિટાયર્ડ હર્ટ?: બીજી સુપર ઓવરમાં કેમ રમી શક્યો? અમ્પાયરોએ બ્લન્ડર કર્યું હતું કે શું?
બૅન્ગલૂરુ: ઘણી વાર ફેમસ મૅચ પછી એમાંની અમુક ઘટનાની ચર્ચા થતી રહેતી હોય છે અથવા એ ઘટનાના કાયદા-કાનૂન લોકોને મૂંઝવતા રહેતા હોય છે. ક્યારેક તો આઇસીસીએ કાયદામાં સુધારો પણ કરવો પડતો હોય છે. મહાન ક્રિકેટર વિનુ માંકડના નામ પરથી ‘માંકડેડ’ તરીકે ઓળખાતી નૉન-સ્ટ્રાઇક એન્ડ પરના બૅટરને આઉટ કરી દેવાની ઘટનાને લગતો કિસ્સો થોડા વર્ષો પહેલાંની આઇપીએલમાં આર. અશ્ર્વિનના હાથે બન્યો એ પછી આઇસીસીએ ‘માંકડેડ’ને કાયદેસરતા આપવી પડી હતી.
બુધવારની અફઘાનિસ્તાન સામેની બબ્બે સુપર ઓવરવાળી અભૂતપૂર્વ રોમાંચવાળી ટી-20માં રોહિત શર્માને સ્પર્શતો કિસ્સો પણ ચર્ચાસ્પદ બની રહેશે. બીજી સુપર ઓવરમાં પોતાના 11 રને રનઆઉટ થયો એ પહેલાં પ્રથમ સુપર ઓવરમાં 13 રનના સ્કોરે રિટાયર્ડ આઉટ થયો હોવાનું પ્રથમદર્શી અહેવાલમાં જણાવાયું હતું. જોકે પછીથી ‘રિટાયર્ડ આઉટ’માંથી ‘આઉટ’ શબ્દ કાઢી નાખવામાં આવ્યો હતો. હવે વાત એવી છે કે તો પછી રોહિત ‘રિટાયર્ડ હર્ટ’ હતો કે શું?
આઇસીસીની મેન્સ ટી-20 માટેની પ્લેઇંગ કન્ડિશન્સ કહે છે કે જો કોઈ બૅટર અગાઉની સુપર ઓવરમાં આઉટ થયો હોય તો તે પછીની સુપર ઓવરમાં બૅટિંગમાં ન આવી શકે.
રોહિત ‘રિટાયર્ડ આઉટ’ હતો કે ‘રિટાયર્ડ હર્ટ’ એ વિશે અમ્પાયરોએ કોઈ ફોડ પાડ્યો જ નહોતો. જોકે રોહિત ‘રિટાયર્ડ નૉટ આઉટ’ હશે એટલે જ તે બીજી સુપર ઓવરમાં રમવા આવી શક્યો હશે.
અહીં ખાસ જણાવવાનું કે આઇપીએલની 2022ની સીઝનમાં આર. અશ્ર્વિને પોતાને રિટાયર આઉટ કરી દેતાં એ ટુર્નામેન્ટમાં એવા પ્રકારનો પ્રથમ કિસ્સો બન્યો હતો.
બુધવારે રાતે અફઘાનિસ્તાનના કોચ જોનથન ટ્રૉટને મૅચ પછી રોહિત ‘રિટાયર્ડ આઉટ’ હતો કે ‘રિટાયર્ડ હર્ટ’ એવું પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘આય હેવ નો આઇડિયા.’
હવે મુખ્ય વાત એ છે કે અમ્પાયરે રોહિતને બીજી સુપર ઓવરમાં રમવા દઈને બ્લન્ડર કર્યું હતું કે શું? પહેલી સુપર ઓવરમાં 13 રન બનાવ્યા બાદ રોહિત એટલો બધો થાકી ગયો હતો કે તે બૅટિંગ અધૂરી છોડીને જતો રહ્યો હતો અને રિન્કુ સિંહ રમવા આવ્યો હતો. પરંતુ, રોહિતને એ રીતે બૅટિંગ છોડી દેવાની છૂટ મળી હતી? રોહિતને કોઈ ઈજા કે બીમારી નહોતી નડી કે જેને કારણે તે પોતાને રિટાયર્ડ હર્ટ કહીને નીકળી ગયો હોય. એવું થયું હોત તો નિયમ પ્રમાણે તેને બીજી સુપર ઓવર કાનૂની રીતે રમવા મળી જ હોત. પરંતુ, આ કિસ્સામાં રોહિતની બાબતમાં એવું કંઈ નહોતું એટલે તે રિટાયર્ડ આઉટ કહેવાય, ખરુંને? જો તે રિટાયર્ડ આઉટ હતો તો બીજી સુપર ઓવરમાં રમવાને પાત્ર હતો જ નહીં. શું અમ્પાયર વીરેન્દર શર્મા અને મદનગોપાલે ગરબડ કરી હતી કે શું?
જોકે બીજી વાત એ પણ છે કે આઇસીસીનો નિયમ કહે છે કે જો કોઈ બૅટર ઈજા કે બીમારી વગર બૅટિંગમાંથી રિટાયર થઈ જાય તો તેની ગણતરી ‘રિટાયર્ડ નૉટ આઉટ’ તરીકે થાય છે અને પછીથી હરીફ ટીમના કૅપ્ટનની પરમિશનથી પાછો બૅટિંગમાં આવી શકે છે. જોકે બુધવારની મૅચમાં રોહિતને અફઘાનના કૅપ્ટન ઇબ્રાહિમ ઝડ્રાન તરફથી પરવાનગી મળવાની સંભાવના નહોતી, કારણકે તે નહીં ઇચ્છતો હોય કે રોહિત બીજી સુપર ઓવરમાં પણ તેના બોલરની બોલિંગની ધુલાઈ કરે.