’26 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં હતો હુમલાનો પ્લાન’: હિજબુલ આતંકી જાવેદ મટ્ટુનો ખુલાસો
નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની પૂછપરછ દરમિયાન હિઝબુલ મુજાહિદ્દીનના શંકાસ્પદ આતંકવાદી જાવેદ મટ્ટૂએ મોટો ખુલાસો કર્યો છે. મળતી માહિતી મુજબ, પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ, મટ્ટુ સાથે મળીને 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે હિઝબુલ મુજાહિદ્દીનના A++ કેટેગરીના આતંકવાદી જાવેદ અહેમદ મટ્ટૂની 4 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.
આતંકવાદી મટ્ટુ પાકિસ્તાન સ્થિત બે હેન્ડલરના સંપર્કમાં હતો જે તેને એક મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે ઉશ્કેરતા હતા. પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓના આદેશ પર જાવેદ મટ્ટૂનો ઈરાદો જમ્મુ-કાશ્મીરમાં મોટો આતંકી હુમલો કરવાનો હતો.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રોએ જણાવ્યું છે કે મટ્ટુએ જણાવ્યું કે ભારત પર હુમલાની આ યોજના એક વર્ષથી ચાલી રહી છે. આ માટે જાવેદને એક વર્ષ પહેલા પાકિસ્તાનથી નેપાળ શિફ્ટ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI દ્વારા મટ્ટુને નેપાળના પોખરામાં પણ સ્થાયી કરવામાં આવ્યો હતો.